માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી બનતા ભારત માટે નવો પડકાર ઊભો થયો છે. દિશાનયકનો માર્ક્સવાદી-લેનિનવાદી પક્ષ JVP (જનથા વિમુક્તિ પેરામુના) પરંપરાગત રીતે ભારત વિરોધી વલણ ધરાવે છે. તેઓ શ્રીલંકામાં AKD તરીકે ઓળખાય છે.
સોમવારે તેમના શપથ ગ્રહણ પછી 55 વર્ષીય નેશનલ પીપલ્સ પાવર એલાયન્સ નેતા લંકાની સરકારનું નેતૃત્વ કરનાર પ્રથમ ડાબેરી પ્રેસિડન્ટ છે. શ્રી લંકાના રાજકારણમાં અત્યાર સુધીના એક સામાન્ય નેતા ગણાતા દિસાનાયકને છેલ્લી ચૂંટણીમાં માત્ર 3 ટકા મત મળ્યા હતાં. દિસાનાયકે ભારત તરફી નેતા સજીથ પ્રેમદાસાને હરાવ્યા હતાં, ચૂંટણીમાં કોઇ પણ ઉમેદવાર 50થી વધુ મત મેળવી શક્યા ન હતાં. આ પછી સેકન્ડ પ્રેફરન્સ વોટની ગણતરી થઈ હતી અને દિસાનાયકે આખરે 42.31 ટકા મતો સાથે જીત્યા હતાં.
શ્રીલંકામાં દેશના 10મા પ્રેસિડન્ટની પસંદગી કરવા માટે 21 સપ્ટેમ્બરે મતદાન થયું હતું અને મતગણતરી રવિવારે 5 વાગ્યા બાદ શરૂ થઈ હતી. 1 કરોડ 70 લાખ મતદાતાઓમાંથી લગભગ 75 ટકાએ પ્રેસિડન્ટની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નવેમ્બર 2019માં થયેલી ગત ચૂંટણીમાં 83 ટકા મતદાન નોંધાયુ હતું.
શ્રીલંકાના ચૂંટણી પંચના આંકડા અનુસાર ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકે 52% વોટની સાથે પ્રેસિડન્ટની ચૂંટણીમાં જીત નોંધાવી હતી. રાનિલ વિક્રમસિંઘે 16 ટકા વોટ સાથે ત્રીજા સ્થાને રહ્યાં હતાં. સાજિથ પ્રેમદાસા 22 ટકા વોટ સાથે બીજા સ્થાને રહ્યાં હતાં. પ્રેમદાસા એક વખત ફરી મુખ્ય વિપક્ષ નેતાની ભૂમિકામાં નજર આવશે. 2022ના આર્થિક સંકટ બાદ શ્રીલંકામાં આ પહેલી ચૂંટણી હતી.