પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પર કથિત દેશ વિરોધી પ્રવૃત્તિ માટે પ્રતિબંધ મૂકવાની સરકારે હિલચાલ ચાલુ કરી છે.
માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે ઈસ્લામાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે નિર્ણય કર્યો છે કે સંઘીય સરકાર પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ) પર પ્રતિબંધ મૂકવા માટે કેસ દાખલ કરશે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાશે. સરકાર પાસે આવા નિર્ણય માટે પૂરતા પુરાવા છે.
ઇમરાન ખાને 1996માં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ અથવા PTIની સ્થાપના કરી હતી, જે 2018માં સત્તામાં આવી હતી. તેમની સરકાર એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત ગુમાવ્યા બાદ પડી ગઈ હતી.ઇમરાન હાલમાં હાલમાં ભ્રષ્ટાચાર અને આતંકવાદના આરોપમાં જેલમાં છે.
સુપ્રીમ કોર્ટના એક નિર્ણયના થોડા દિવસો પછી પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ની આગેવાની હેઠળની સરકારે આ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાનની પાર્ટીને મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત 20થી વધુ બેઠકો માટે લાયક છે. જો તેના અનામત બેઠકોમાં ક્વોટા મળશે તો પીટીઆઈ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. તેનાથી નેશનલ એસેમ્બલીમાં શાસક ગઠબંધન તેની બે તૃતીયાંશ બહુમતી ગુમાવે તેવી શક્યતા છે.