દક્ષિણ આફ્રિકામાં એક અગ્રણી હિન્દુ સંગઠને આગામી પાંચ વર્ષમાં હનુમાન ચાલીસાની 10 લાખ પોકેટ-સાઇઝ નકલનું નિશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જોહાનિસબર્ગ ખાતે વિષ્ણુ મંદિરમાં શનિવાર, 2 સપ્ટેમ્બરે આ કાર્યક્રમ શરૂ કરીને 10,000 નકલનું વિતરણ કરાયું હતું. હનુમાન ચાલીસાની વૈશ્વિક સ્તરે સૌથી નાની મુદ્રિત આવૃત્તિ માનવામાં આવે છે. આ હનુમાન ચાલીસાને સરળતાથી પર્સ અથવા વૉલેટમાં રાખી શકાશે.
SA હિન્દુના સ્થાપક પંડિતા લ્યુસી સિગાબાને જણાવ્યું હતું કે “અમે આધ્યાત્મિક વિકાસ, સમુદાય સેવા અને સાંસ્કૃતિક જાળવણીની ઉજવણી કરવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર દક્ષિણ આફ્રિકામાંથી એક ડઝનથી વધુ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.” શેરેનો પ્રિન્ટર્સના માલિક નિરન સિંહને આ પ્રોજેક્ટમાં તેમની કંપનીના યોગદાન માટે સન્માનિત કરાયા હતા.