વોશિંગ્ટન સ્ટેટ ડિસ્ટ્રિક્ટ જજ જ્હોન કોગેનૌરે જન્મજાત નાગરિકતાના હકને નાબૂદ કરતા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને સંપૂર્ણપણે ગેરબંધારણીય ગણાવીને તેના અમલ પર 14 દિવસનો સ્ટે મૂક્યો હતો. કોર્ટે લાંબા ગાળા માટે આ ઓર્ડરને અટકાવી દેવો કે નહીં તેનો નિર્ણય કરવા માટે વધુ સુનવાણી 6 ફેબ્રુઆરીએ નિર્ધારિત કરી છે.
ન્યાયાધીશ જ્હોન કોગેનૌરે ન્યાય વિભાગના વકીલને જણાવ્યું હતું કે હું ચાર દાયકા કરતાં વધુ સમયથી બેન્ચ પર છું. મને બીજો કેસ યાદ નથી કે જ્યાં પ્રસ્તુત કેસ આના જેટલો સરળ હોય. આ એક સંપૂર્ણપણે ગેરબંધારણીય આદેશ છે.
ડેમોક્રેટિક પાર્ટી શાસિત ચાર રાજ્યોની અરજીની સુનાવણી કરતાં વોશિંગ્ટન સ્ટેટ ડિસ્ટ્રિક્ટ જજ જ્હોન કોગેનૌરે એક અસ્થાયી આદેશ જારી કરી ટ્રમ્પના આદેશના અમલને અટકાવી દીધો હતો. 20 જાન્યુઆરીએ બીજી વાર પ્રેસિડન્ટ બનેલા ટ્રમ્પે તેમના કાર્યકાળના પ્રથમ દિવસે જ આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં.
ડેમોક્રેટિક પાર્ટી શાસિત સંખ્યાબંધ રાજ્યો અને નાગરિક અધિકાર જૂથોએ પણ ટ્રમ્પના આદેશને પડકારતી સંખ્યાબંધ અરજીઓ કરેલી છે. સોમવારે શપથગ્રહણ પછી રિપબ્લિકન નેતા ટ્રમ્પે માતાપિતામાંથી કોઇ એક અમેરિકી નાગરિક ન હોય તો તેમના બાળકોને યુએસ નાગરિક તરીકે માન્યતા ન આપવાનો એજન્સીઓને આદેશ કર્યો હતો.
કોર્ટના આદેશ પછી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની સરકાર ફેડરલ જજના નિર્ણયની સામે અપીલ કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટના એક્ઝિક્યુટિવ ઓર્ડરનો જોરદાર બચાવ કરીશું. એક્ઝિક્યુટિવ આદેશ યુએસ બંધારણના 14મા સુધારાનું યોગ્ય અર્થઘટન કરે છે. અમે કોર્ટ અને અમેરિકન લોકો સમક્ષ સંપૂર્ણ યોગ્યતાની દલીલ રજૂ કરવા માટે આતુર છીએ, જેઓ રાષ્ટ્રના કાયદાનો અમલ થતો જોવા માટે ઉત્સુક છે. ગુરુવારે રાજ્યો માટે દલીલ કરતા વોશિંગ્ટનના આસિસ્ટન્ટ એટર્ની જનરલ લેન પોલોઝોલાએ આ અર્થઘટનને વાહિયાત ગણાવ્યું હતું.
કોર્ટના આદેશથી ટ્રમ્પ વહીવટીતંત્ર 14 દિવસ માટે આ એક્ઝિક્યુટિવ ઓર્ડરનો અમલ કરી શકશે નહીં. આ સમયગાળા દરમિયાન વિવિધ પક્ષકારો ઓર્ડરની યોગ્યતા વિશે વધુ દલીલો સબમિટ કરશે. ન્યાયાધીશ કોગેનૌરે લાંબા ગાળા માટે ઓર્ડરને બ્લોક કરવો કે નહીં તેનો નિર્ણય કરવા માટે વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીએ નિર્ધારિત કરી હતી.
1981માં તત્કાલિકન પ્રેસિડન્ટ રોનાલ્ડ રીગને નિયુક્ત કરેલા 84 વર્ષીય ન્યાયાધીશે સરકારી વકીલ બ્રેટ શુમેટને સવાલ કર્યો હતો કે શું તેઓ અંગત રીતે આ હુકમ બંધારણીય હોવાનું માને છે ખરા. મને એ સમજવામાં મુશ્કેલી પડી છે કે બારનો એક સભ્ય કેવી રીતે સ્પષ્ટપણે કહી શકે કે આ એક બંધારણીય હુકમ છે. આના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે ટ્રમ્પ સરકારે અગાઉ પણ દલીલો કરી છે. એક્ઝિક્યુટિવ આદેશનો અમલ થાય તે પહેલા તે પહેલા સમાપ્ત થઈ જતાં વચગાળાનો આદેશ આપવાનો કોઇ અર્થ નથી.
વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન જેવા ડેમોક્રેટિક-શાસિત રાજ્યોએ દલીલ કરી હતી કે ટ્રમ્પનો આદેશ યુએસ બંધારણના 14મા સુધારાની નાગરિકતા કલમમાં સમાવિષ્ટ અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેમાં અમેરિકામાં જન્મેલ કોઈપણ વ્યક્તિ દેશનો નાગરિક બનાવવાની જોગવાઈ છે.
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન, ઇમિગ્રન્ટ સંગઠનો અને એક સગર્ભા માતાએ પણ ટ્રમ્પના આદેશને કોર્ટમાં પડકાર્યો છે. આમ ટ્રમ્પ માટેની કાનૂની લડાઇનો પ્રારંભ થઈ ગયો છે.
મેસેચ્યુસેટ્સ એટર્ની જનરલ એન્ડ્રીયા જોય કેમ્પબેલની ઓફિસે જણાવ્યું હતું કે ટ્રમ્પનો આદેશ અમેરિકામાં વાર્ષિક ધોરણે જન્મેલા 150,000થી વધુ બાળકોને નાગરિકતાના અધિકારથી વંચિત રાખે છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ પાસે બંધારણીય અધિકારો છીનવી લેવાની સત્તા નથી