(ANI Photo)

ભારતની યાત્રાએ આવેલા કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 18 ફેબ્રુઆરીએ વ્યાપક વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના સંબંધોને વધારીને વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ટેક્નોલોજી, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો પર અંગે સમજૂતીઓ થઈ હતી.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓ પરસ્પર હિતના “પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ” પર પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું.

કતારના અમીર મોદીના આમંત્રણ પર બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતની આ તેમની બીજી સત્તાવાર મુલાકાત છે. અગાઉ તેઓ માર્ચ 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતાં.

અગાઉ કતારના અમીરનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુલાકાતી નેતાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોદી પણ હાજર રહ્યા હતાં.બાદમાં, મોદી અને અમીરે હૈદરાબાદ હાઉસમાં વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓની અંગે વાટાઘાટો કરી હતી.

ભારત અને કતારે મંગળવારે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપવા અંગેના કરારની પણ આપ-લે કરી હતી.
મોદી અને અમીરની મુલાકાત પછી ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારત-કતારે ગાઢ અને પરંપરાગત સંબંધોને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદી અને કતારના અમીરે આજે હૈદરાબાદ હાઉસ ખાતે વ્યાપક વાટાઘાટો યોજી હતી. બંને નેતાઓએ વેપાર, ઉર્જા, રોકાણ, ખાદ્ય સંસ્કૃતિ, નવીનતા અને લોકો માટે સુરક્ષા-સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-કતાર સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવાનો નિર્ણય લીધો હતો. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.

ભારત અને કતાર વચ્ચે બેવડા કરવેરાને ટાળવા અને આવક પરના કરના સંદર્ભમાં નાણાકીય ચોરી અટકાવવા માટેના સુધારેલા કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. કતારના વડા પ્રધાન અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કરારની આપ-લે કરી હતી.

કતારના અમીર સોમવારે સાંજે અહીં પહોંચ્યા હતા, તેમની મુલાકાત ફેબ્રુઆરી 2024માં મોદીએ ગલ્ફ રાષ્ટ્રની મુલાકાત લીધી હતી તેના લગભગ એક વર્ષ પછી આવી રહી છે. વડાપ્રધાન મોદીએ સોમવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર અમીરનું સ્વાગત કર્યું હતું.

કતારના અમીરની સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું છે, જેમાં પ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓનો સમાવેશ થાય છે

LEAVE A REPLY