ચૂંટણીપંચે મંગળવારે વિવિધ રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરતી વખતે મંગળવારે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પણ 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ બેઠકનું રિઝલ્ટ 23 નવેમ્બરે જાહેર થશે
બનાસકાંઠામાંથી લોકસભામાં ચૂંટાયા બાદ જૂનમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજીનામું આપી દેતાં વાવ બેઠક ખાલી પડી હતી.વાવ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને 2017 અને 2022માં ગેનીબેન ઠાકોર ત્યાંથી જીત્યા હતાં.એક વીડિયો સંદેશમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉની ચૂંટણીની જેમ જ તમામ સમુદાયના લોકો પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરશે.
ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે આ વખતે ભગવા પાર્ટી ચોક્કસપણે જીતશે.
બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી તેમની પ્રથમ ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30,000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતાં.ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતનાર તેઓ એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર હતા.
2017માં ગેનીબેન ઠાકોર એક જાયન્ટ કિલર તરીકે ઉભરી આવ્યા અને તેમને ભાજપના વરિષ્ઠ નેતા અને વર્તમાન વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને વાવ વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતાં.
ગુજરાતના જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પણ હાલના AAP ધારાસભ્ય ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા ત્યારથી ખાલી છે.પરંતુ ભાયાણીની ચૂંટણીને પડકારતી અરજીઓ હજુ પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવાથી, મતવિસ્તારની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી ન હતી. 182 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 12 છે. સત્તાધારી ભાજપ પાસે 161 ધારાસભ્યો છે. AAPના ચાર, સમાજવાદી પાર્ટીના એક અને બે અપક્ષ ધારાસભ્યો છે.