આણંદમાં ભાજપનાં એક કાઉન્સિલર એક પરિણિત મહિલાના ઘરમાં ઘૂસી જઈને કથિત રીતે દુષ્કર્મનો પ્રયાસ કરતા રંગે હાથે ઝડપાયા હતાં અને તે પછી મોટી બબાલ થઈ હતી. પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને તપાસ ચાલુ કરી હતી.
આણંદ નગર પાલિકાના વોર્ડ નં. 6 ના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિ રાત્રિનાં સુમારે સીખોડ તલાવડી વિસ્તારમાં 35 વર્ષની એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતાં અને મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિને મેથીપાક ચખાડ્યો હતો. આ સમયે પરિણીતાના બે સંતાનો પણ ઘરમાં સૂઈ રહ્યા હતાં. કાઉન્સિલરે પરિણીતાનું મોંઢું દબાવીને બળજબરી કરી હતી. આ ઘટનાને લઇને લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતાં. સમગ્ર મામલામાં દીપુ પ્રજાપતીને મેથીપાક આપતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના પછી ભાજપે દિલીપ પ્રજાપતિને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કાઉન્સિલરે સૌપ્રથમ 6 જૂનના રોજ મહિલાનો સંપર્ક કર્યો હતો અને તેના વોટ્સએપ નંબર પર મતદારની કાપલી શેર કરવાનું વચન આપ્યું હતાં. બાદમાં કાઉન્સિલરે મહિલાને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું.કાઉન્સિલરે તેના રેકોર્ડિંગને તેના પતિ સાથે શેર કરવાની ધમકી આપી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે કાઉન્સિલર દ્વારા તેણી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો તથા કથિત રીતે તેના પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદીએ જણાવ્યું કે શનિવાર રાત્રે તેનો પતિ આઈસ્ક્રીમ ખરીદવા માટે તેમના ઘરની બહાર ગયો હતો ત્યારે કાઉન્સિલર બળજબરીથી તેના ઘરમાં ઘુસી ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. તેનો પતિ ઘરે પાછો આવ્યો, ત્યારે કાઉન્સિલરે સ્થળ પરથી ભાગી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પતિ અને પડોશના અન્ય લોકોએ તેને પકડી લીધો હતો. બાદમાં કાઉન્સિલરે તેના ભાઈઓ અને અન્ય સાત આરોપીઓના જૂથને બોલાવ્યા હતો જેમણે મહિલાના પરિવાર પર હુમલો કર્યો હતો.
