REUTERS/Brian Snyder/File Photo
અમેરિકામાં પ્રેસિડન્ટપદની ચૂંટણીમાં કમલા હેરિસને હરાવીને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, 6 નવેમ્બરે ચાર વર્ષ પછી વ્હાઇટ હાઉસમાં ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. અમેરિકામાં ટ્રમ્પ ફરી પ્રેસિડન્ટ બનતા ભારત સહિત વિશ્વભરના દેશો સાથે અમેરિકાના નવા સંબંધોનો ફરી શરૂઆત થશે તથા દેશ અને વિદેશમાં લોકશાહી સંસ્થાઓની કસોટી થવાની ધારણા છે. હવે 6 જાન્યુઆરી, 2025ના રોજ કોંગ્રેસ 2024 ચૂંટણીને સર્ટિફાઇ કરશે. એ પછી ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ 20 જાન્યુઆરીએ કાર્યભાર સંભાળશે.
78 વર્ષીય ટ્રમ્પે બુધવારે પ્રેસિડન્ટની ચૂંટણી જીતવા માટે જરૂરી 270 ઈલેક્ટોરલ કૉલેજ વોટથી  વધુ વોટ મેળવીને વ્હાઇટ હાઉસ પર ફરીથી કબજો કર્યો હતો. સ્વીંગ રાજ્ય વિસ્કોન્સિનમાં વિજય સાથે ટ્રમ્પે બહુમતીનો 270 ઇલેક્ટ્રોરલ વોટનો જાદૂઈ આંકડો પાર  કર્યો હતો. એકંદરે ટ્રમ્પને કુલ 538માંથી 312 ઈલેકટોરલ વોટ્સ મળ્યા હતા, જ્યારે કમલા હેરિસને 226 મળ્યા હતા.
ટ્રમ્પને હેરિસની સરખામણીમાં પોપ્યુલર વોટ પણ આશરે 5 મિલિયન વધુ મળ્યાં હતાં. ટ્રમ્પે બુધવારે વહેલી સવારે ફ્લોરિડામાં પામ બીચ કાઉન્ટી કન્વેન્શન સેન્ટર ખાતે સમર્થકોને સંબોધતાં જણાવ્યું હતું કે “અમેરિકાએ અમને અભૂતપૂર્વ અને શક્તિશાળી જનાદેશ આપ્યો છે.”
2020ની હારને પલટી નાખવાના નિષ્ફળ પ્રયાસમાં 6 જાન્યુઆરી, 2021ના રોજ તેમના સમર્થકોના ટોળાએ યુએસ કેપિટોલ પર હુમલો કર્યા પછી ટ્રમ્પની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોય તેવું મનાતું હતું. પરંતુ તેમણે પોતાની રીપબ્લિકન પાર્ટીની અંદરની પ્રતિસ્પર્ધીઓનો સામનો કર્યો હતો અને પછી ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યાં હતાં.
ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીએ યુએસ સેનેટમાં બહુમતી પણ મેળવી હતી, પરંતુ હાલમાં પાતળી બહુમતી ધરાવે છે તેવા હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સના બેમાંથી એક પણ પાર્ટીને સંપૂર્ણ અંકુશ મળ્યો નથી. ટ્રમ્પના વિજયને પગલે વિશ્વભરના મોટા શેરબજારોમાં તેજી જોવા મળી હતી અને 2020 પછી ડોલરમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો.
રોઇટર્સ/ઇપ્સોસના ઓપિનિયન પોલ્સ અનુસાર, મતદારોએ નોકરીઓ અને અર્થતંત્રને દેશની સૌથી વધુ અસર કરતી સમસ્યા ગણાવી હતી.
ટ્રમ્પની જીતની યુએસની વેપાર અને આબોહવા પરિવર્તન નીતિઓ, યુક્રેન યુદ્ધ, અમેરિકનોની ટેક્સ નીતિ અને ઇમિગ્રેશન નીતિ પર મોટી અસર પડશે. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પને કારણે ચીન અને અમેરિકાના સાથી દેશો વચ્ચે ટેરિફ વોર ચાલુ થઈ શકે છે. વચન મુજબ ટ્રમ્પ કોર્પોરેટ ટેક્સ અને બીજા ટેક્સમાં ઘટાડો કરશે તો અમેરિકાના દેવામાં ઉછાળો આવી શકે છે. ટ્રમ્પે દેશમાં ગેરકાયદે ઇમિગ્રન્ટને નિશાન બનાવી સામૂહિક દેશનિકાલ અભિયાન શરૂ કરવાનું વચન આપ્યું છે.
ટ્રમ્પે તેમની ચૂંટણી રેલીઓમાં અર્થતંત્રના પુનઃનિર્માણનું પણ વચન આપ્યું હતું. પિટ્સબર્ગમાં તેમની રેલીમાં ટ્રમ્પે બાઇડન-હેરિસ વહીવટીતંત્ર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અમેરિકન લોકોએ છેલ્લા ચાર વર્ષમાં આપત્તિજનક નિષ્ફળતા, વિશ્વાસઘાત અને અપમાન સહન કર્યાં છે. આપણે નબળાઈ, અસમર્થતા, પતન સાથે  સમાધાન કરવાની જરૂર નથી. આવતીકાલે તમારા મતથી અમે દેશ સામેની દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકીશું તથા અમેરિકા અને ખરેખર સમગ્ર વિશ્વને ગૌરવની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. આપણે સાથે મળીને અમેરિકાને ફરીથી મહાન બનાવીશું.
ચૂંટણીના દિવસ પહેલાની અંતિમ રેલીઓમાં હેરિસે ટ્રમ્પની વિભાજનકારી નીતિઓનો અંત લાવવાનું વચન આપ્યું હતું અને દેશને વધુ સારા ભવિષ્ય તરફ લઈ જવા માટે એકતાથી કામ કરવા હાકલ કરી હતી.
તેમના રનિંગ મેટ તરીકે જે. ડી. વાન્સ વાઈસ પ્રેસિડેન્ટપદે વિજયી થતાં વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દાની જગ્યાએ હવે નવા વાઈસ પ્રેસિડેન્ટના પરિવારમાં એક ભારતીય અમેરિકન મહિલાની ઉપસ્થિતિનું સાતત્ય જળવાશે.

LEAVE A REPLY