અમેરિકામાં પ્રેસિડન્ટ જો બાઇડનને સપોર્ટ કરતાં ઇન્ડિયન અમેરિકનોની સંખ્યામાં 2020ની ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે 19 ટકાનો ધરખમ ઘટાડો થયો છે, એમ બુધવારે જારી કરાયેલા દ્વિ-વાર્ષિક એશિયન અમેરિકન વોટર સર્વે (AAVS)માં જણાવાયું હતું.
આ સર્વે એશિયન એન્ડ પેસિફિક આઇલેન્ડર અમેરિકન વોટ (એપીઆઇવોટ), AAPI ડેટા, એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસ (AAJC) અને AARP દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. એશિયન અમેરિકન વોટર્સના આ સૌથી લાંબા સર્વેમાં બહાર આવ્યું છે કે આ વર્ષે આશરે 46 ટકા ઇન્ડિયન અમેરિકનો બાઇડનને વોટ આપવા માગે છે. 2020ની ચૂંટણીમાં આ પ્રમાણ 65 ટકા જેટલું ઊંચું હતું. આમ ઇન્ડિયન અમેરિકનોના સમર્થનમાં 19 ટકાનો મોટો ઘટાડો થયો છે, જે તમામ એશિયન અમેરિકન વંશીય સમુદાયમાં સૌથી મોટો છે.
બાઇડન અને તેમના રિપબ્લિકન ચેલેન્જર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 27 જૂને યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ પહેલા હાથ ધરાયેલા સર્વે મુજબ 46 ટકા એશિયન અમેરિકનો બાઇડનને મત આપે તેવી શક્યતા છે, જે 2020ની તુલનાએ આઠ ટકા ઓછા છે. આની સામે 31 ટકા એશિયન અમેરિકનો ટ્રમ્પને મત આપે તેવી શક્યતા છે, આમ ટ્રમ્પના સમર્થકોમાં એક ટકાનો વધારો થયો છે.
ઇન્ડિયન અમેરિકનોમાં બાઇડનના સપોર્ટમાં 19 ટકા ઘટાડો થયો હોવા છતાં ટ્રમ્પનું ફેરરેબિલિટી રેટિંગ માત્ર બે ટકા વધ્યું છે, જે 2020ના 28 ટકાથી વધી 2024માં 30 ટકા થયું છે.
અમેરિકામાં છેલ્લા બે દાયકામાં એશિયન અમેરિકન મતદાતામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં તેમાં 15 ટકાનો વધારો થયો છે. એશિયન અમેરિકનો 2016થી દરેક ફેડરલ ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરે છે. 2020માં એશિયન અમેરિકન મતદારોની સંખ્યામાં વધારો બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં બાઇડનની જીત માટે નિર્ણાયક બન્યો હતો. ઘણા બેટલગ્રાઉન્ડ રાજ્યમાં ઇન્ડિયન અમેરિકન મતદાતાની નોંધપાત્ર હાજરી છે, તેથી આ રાજ્યમાં બાઇડનના સમર્થકોની સંખ્યામાં ઘટાડો બાઇડન માટે ચિંતાજનક છે.
સરવેમાં જણાવ્યા અનુસાર ઇન્ડિયન અમેરિકનોમાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ માટેનું ફેરવિબિલિટી રેટ 54 ટકા અને અનફેવરિબિલિટી રેટિંગ 38 ટકા છે.AAPI ડેટાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાર્તિક રામક્રિષ્નને જણાવ્યું હતું કે, “એશિયન અમેરિકનો અમેરિકન મતદારોમાં ઝડપથી વૈવિધ્યીકરણ કરી રહ્યા છે અને તેઓને શું પ્રેરણા આપે છે અને તેમની મતદાનની પસંદગીની જાણ કરે છે તે અંગેની અમારી સમજણને અપડેટ કરવી અમારા માટે મહત્વપૂર્ણ છે.”