રાજસ્થાન રોયલ્સના નવલોહિયા, ફક્ત 14 વર્ષને 32 દિવસની કાચી વયના કહી શકાય એવા તેજીલા તોખાર બેટર વૈભવ સૂર્યવંશીએ સોમવારે (28 એપ્રિલ) રાત્રે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રનની આતશબાજી ખેલી અનેક નવા રેકોર્ડ સાથે તરખાટ મચાવ્યો હતો અને ગુજરાત ટાઈટન્સના ધૂરંધર બોલર્સ સામે રાજસ્થાન રોયલ્સના 8 વિકેટે વિજયમાં મુખ્ય શિલ્પીની ભૂમિકા ભજવી હતા. આ મેચ જાણે વૈભવ વિરૂદ્ધ ગુજરાતની હોય તેમ તેનો ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલ પણ ઝાંખો પડી ગયો લાગતો હતો.
પોતાની આઈપીએલ કારકિર્દીના પહેલા જ બોલે છગ્ગો ફટકારી પહેલી મેચમાં પણ વૈભવે પ્રતિભાનો પરચો તો બતાવી જ દીધો હતો. સોમવારે ફક્ત ત્રીજી મેચમાં તેણે સદી ફટકારી ત્રણથી વધુ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આઈપીએલ અને ટી-20માં સૌથી નાની વયે સદી કરનારો તે વિશ્વનો અને ભારતનો પ્રથમ બેટર બની ગયો હતો. તે ઉપરાંત ભારતીય ખેલાડીઓમાં વૈભવે સૌથી ઝડપી ટી-20 સદીનો રેકોર્ડ પણ તેના નામે કર્યો છે, સૂર્યવંશીએ ફક્ત 35 બોલમાં 11 છગ્ગા અને સાત ચોગ્ગા સાથે સદી કરી હતી. ભારતના કોઈ ધૂરંધર બેટર પણ તેની આસપાસ અગાઉ ક્યારેય પહોંચ્યા નથી. સૌથી ઝડપી સદીનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે, 37 બોલમાં સદીનો રેકોર્ડ 2010માં કર્યો હતો, તે પણ યોગાનુયોગ રાજસ્થાન રોયલ્સ વતી થયો હતો.
ટી-20માં, આઈપીએલમાં સૌથી ઝડપી – 30 બોલમાં સદીનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે છે, તેની સામે પણ હવે વૈભવનું જોખમ મનાય છે. વૈભવે સોમવારે ગુજરાત ટાઈટન્સ સામે ફક્ત 17 બોલમાં અડધી સદી નોંધાવી હતી અને તે આઈપીએલમાં સૌથી નાની વયે અડધી સદી કરનારો બેટર બની ગયો હતો.
સોમવારની મેચમાં દેખિતી રીતે વૈભવ પ્લેયર ઓફ ધી મેચ જાહેર થયો હતો અને સૌથી નાની વયે આ એવોર્ડ મેળવનારા ખેલાડીનો રેકોર્ડ પણ વૈભવના નામે થયો હતો. તેણે ઈશાંત શર્માની એક ઓવરમાં 26 રન ઝુડી નાખ્યા હતા, તો મોહમ્મદ સિરાજ તથા રાશિદ ખાન જેવા બોલર્સનો પણ સ્હેજે આદર કર્યો નહોતો.
ગુજરાતે પહેલા બેટિંગ કરતાં ચાર વિકેટે 209 રન કર્યા હતા, જેમાં સુકાની શુભમન ગિલના 50 બોલમાં 84, જોસ બટલરના 26 બોલમાં અણનમ 50 તથા સાઈ સુદર્શનના 30 બોલમાં 39 મુખ્ય હતા. તેની સામે વૈભવ અને જયસ્વાલની આતશબાજી પછી રાજસ્થાન રોયલ્સે ફક્ત 15.5 ઓવરમાં બે વિકેટે 212 રન કરી વિજય હાંસલ કર્યો હતો. વૈભવના 101 ઉપરાંત જયસ્વાલના 40 બોલમાં અણનમ 70 અને સુકાની રીયાન પરાગના 15 બોલમાં અણનમ 32 રન મુખ્ય હતા. પ્રસિદ્ધ ક્રિષ્ના અને રાશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી.
