
ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે તેમની ભારતીય મૂળની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે દિલ્હીમાં પ્રસિદ્ધ સ્વામિનારાણ અક્ષરધામ મંદિરની મુલાકાત લઈને દર્શન કર્યા હતાં. વેન્સ પરિવાર આશરે એક કલાસ મંદિર સંકુલમાં રોકાયો હતો. તેમના બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલે ભારતીય પોશાક પહેરેલાં હતાં.
વાઇસ પ્રેસિડન્ટને મંદિરની ગેસ્ટ બૂકમાં લખ્યું હતું કે આ સુંદર સ્થળે મને અને મારા પરિવારને આવકારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારતને ખૂબ ખૂબ શ્રેય છે કે તમે ચોકસાઈ અને કાળજી સાથે એક સુંદર મંદિર બનાવ્યું. ખાસ કરીને અમારા બાળકોને તે ખૂબ ગમ્યું. ભગવાન આશીર્વાદ આપે.” મંદિરમાં દર્શન કર્યા પછી પરિવારે મંદિરના ભવ્ય પ્રવેશદ્વારે પોઝ આપ્યો હતો.
મંદિરના એક સંતે જણાવ્યુ હતું કે “તેમનું પરંપરાગત સ્વાગત કરાયું હતું અને તે પછી તેમણે દર્શન કર્યાં હતા. પરિવારને એક કોતરણી કરેલ લાકડાનો હાથી, દિલ્હી અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ અને બાળકોના પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતાં.”
મંદિરના સ્વયંસેવક મીરા સોંદગરે જણાવ્યું હતું કે વાઇસ પ્રેસિડન્ટ ખાસ કરીને જટિલ રીતે કોતરવામાં આવેલા ગજેન્દ્ર પીઠથી મોહિત થયા હતા. જેને હાથીઓની કોતરણીથી શણગારેલો આવે છે અને તે શક્તિ અને શાણપણનું પ્રતીક છે.તેમને આખું અક્ષરધામ સંકુલ બતાવવામાં આવ્યું અને તેઓ આ અનુભવથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. તેમણે કહ્યું કે તેમને અહીં શાંતિનો અનુભવ થાય છે.
અક્ષરધામ મંદિરે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે યુએસના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સ, સેકન્ડ લેડી ઉષા વેન્સ અને તેમના બાળકોએ ભારતમાં પ્રથમ મુકામ તરીકે દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે તેની ભવ્ય કલા, સ્થાપત્ય અને શ્રદ્ધા, પરિવાર અને સંવાદિતાના કાલાતીત મૂલ્યોનો અનુભવ કર્યો હતો. વેન્સ પરિવારે મંદિરની ભવ્ય કલા અને સ્થાપત્ય જોઇ હતી, ભારતના વારસો અને સાંસ્કૃતિક ઊંડાણનો અનુભવ કર્યો અને અક્ષરધામ કેમ્પસમાં સમાયેલા સંવાદિતા, પારિવારિક મૂલ્યો અને કાલાતીત શાણપણના સંદેશાઓની પ્રશંસા કરી હતી.
જે ડી વેન્સ સોમવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેરિફ, પ્રાદેશિક સુરક્ષા તથા ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોની મજબૂત બનાવવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરશે. આ પછી વડાપ્રધાન મોદી જેડી વેન્સના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે. ઇટાલીની યાત્રા પૂર્ણ કર્યા પછી વાન્સ સીધા દિલ્હી આવ્યાં હતાં.
સોમવારે સાંજે 6.30 વાગ્યે વડાપ્રધાન મોદી તેમના સેવન લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને વેન્સ અને તેમના પરિવારનું સ્વાગત કરશે. આ પછી બંને નેતાઓ વચ્ચે સત્તાવાર વાતચીત થશે. વાટાઘાટો પછી મોદી વેન્સ અને તેમની સાથેના અમેરિકન અધિકારીઓને રાત્રિભોજન માટે આમંત્રિત કરશે.
નવી દિલ્હી અને વોશિંગ્ટન હવે દ્વિપક્ષીય વેપાર કરાર પર મહોર મારવા માટે વાટાઘાટો કરી રહ્યા છે ત્યારે અમેરિકી વાઇસ પ્રેસિડન્ટ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. બંને દેશો વચ્ચે ટેરિફ, નોન ટેરિફ અવરોધો, બજારમાં પ્રવેશ સહિતના મુદ્દે ચર્ચાવિચારણા થવાની ધારણા છે.
વેન્સની સાથે પેન્ટાગોન અને વિદેશ વિભાગના અધિકારીઓ સહિત ઓછામાં ઓછાં પાંચ અધિકારીઓ પણ ભારત આવી રહ્યાં છે. વેન્સ અને મોદીની મુલાકાત દરમિયાન અમેરિકા-ભારત વચ્ચેના સૂચિત વેપાર કરારને વહેલા અંતિમ સ્વરૂપ આપવાના તથા બંને દેશોના એકંદર સંબંધોને વેગ આપવાના મુદ્દે ચર્ચાવિચારણા થવાની ધારણા છે.
