ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં પ્રથમ ટેસ્ટમાં જબરજસ્ત દેખાવ સાથે વિજય પછી સતત કંગાળ દેખાવના પગલે 10 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સામે તેનો નામોશીભર્યો પરાજય થયો હતો. રવિવારે (પાંચ જાન્યુઆરી) સીડનીમાં ત્રીજા દિવસે જ પુરી થયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો છ વિકેટે વિજય થતાં ભારતે સીરીઝ ડ્રો કરવાની મળેલી તક ગુમાવી દીધી હતી અને તેના બદલે ઓસ્ટ્રેલિયાનો સીરીઝમાં 3-1થી વિજય થયો હતો.
સીડની ટેસ્ટમાં ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ પોતે મેચ નહીં રમવાનો નિર્ણય લીધો હતો અને તેના સ્થાને જસપ્રીત બુમરાહે સુકાનીપદ સંભાળ્યું હતું. રોહિતના સ્થાને શુભમન ગિલ અને આકાશ દીપના સ્થાને પ્રસિદ્ધ ક્રિષ્નાનો ટીમમાં સમાવેશ કરાયો હતો.
બુમહારે ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પણ અગાઉની ત્રણ મેચનું પુનરાવર્તન કરતા હોય તેમ ભારતના ટોપ ઓર્ડરના કોહલી સહિતના બેટર્સ નિષ્ફળ નિવડ્યા હતા અને ટીમ ફક્ત 185 રન કરી 72.2 ઓવરમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે 9 રન કર્યા હતા. ઋષભ પંતે 40, જાડેજાએ 26 અને બુમરાહે 22 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે ચાર, મિચેલ સ્ટાર્કે ત્રણ, સુકાની પેટ કમિન્સે બે અને નાથન લાયને એક વિકેટ લીધી હતી.
બીજા દિવસે ઓસ્ટ્રેલિયા પણ બેટિંગમાં કઈં ખાસ કરી શકી નહોતી, ટીમ ફક્ત 51 ઓવરમાં 181 રન કરી ઓલાઉટ થઈ જતાં ભારતને ચાર રનની નજીવી સરસાઈ મળી હતી. જો કે, ચાના વિરામ પછી ભારતની બીજી ઈનિંગની શરૂઆત થઈ હતી અને દિવસના અંત સુધીમાં તો ભારતે 32 ઓવરમાં 141 રન તો કરી નાખ્યા હતા,
પણ સાથે સાથે છ વિકેટ પણ ગુમાવી દીધી હતી. આ છ વિકેટમાં ઋષભ પંતની 61 રનની ઝંઝાવાતી ઈનિંગ્સનો પણ સમાવેશ થાય છે. ત્રીજા દિવસે ભારતે વધુ 16 રન ઉમેરતા બાકીની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે, ઓસ્ટ્રેલિયા સામે 162 રન કરવાનો પડકાર આવ્યો હતો. યજમાન ટીમે ચાર વિકેટ ગુમાવી ફક્ત 27 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી ભારતને છ વિકેટે હરાવ્યું હતું અને 10 વર્ષ પછી બોર્ડર – ગાવસ્કર ટ્રોફી પાછી મેળવી હતી. આ મેચમાં ભારતની 10 વિકેટ ખેરવી નિર્ણાયક પ્રદાન કરવા બદલ સ્કોટ બોલેન્ડને પ્લેયર ઓફ ધી મેચ તથા જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.