ભારત માટે રવિવારે પુરી થયેલી ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝ નામોશીભરી રહી હતી, છતાં બે ભારતીય ખેલાડીઓએ નવા વિશિષ્ટ રેકોર્ડ કર્યા હતા, તો ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઓલરાઉન્ડર નિતિશ કુમાર રેડ્ડીએ બેટિંગમાં પોતાની અસાધારણ ક્ષમતાઓનો પરચો આપ્યો હતો.
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયામાં એક સીરિઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટનો 47 વર્ષ જુનો દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનો રેકૉર્ડ તોડ્યો હતો.
બુમરાહે આ સીરિઝમાં એકલા હાથે ભારતને ઘણી વખત મેચમાં વાપસી કરાવી હતી. બુમરાહે સીરિઝમાં કુલ 32 લીધી હતી અને એ રીતે 1977-78માં બેદીએ લીધેલી 31 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં એક સીરિઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ
32 વિકેટ- જસપ્રીત બુમરાહ – 2024/25
31 વિકેટ- બિશન બેદી – 1977/78
28 વિકેટ- બીએસ ચંદ્રશેખર – 1977/78
25 વિકેટ- ઈએએસ પ્રસન્ના – 1967/68
25 વિકેટ- કપિલ દેવ – 1991/92
મેચના બીજા દિવસે ભારતનો વિકેટકીપર બેટર ઋષભ પંત તોફાની બેટિંગ કરી જંગ ઓસ્ટ્રેલિયાની છાવણીમાં લઈ ગયો હતો, જો કે તે લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો. પંતે બીજી ઈનિંગમાં માત્ર 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે પંત ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપી ટેસ્ટ અડધી સદી કરનારો પ્રવાસી ટીમનો બેટર બની ગયો છે. આ પહેલા ઈંગ્લેન્ડના જોન બ્રાઉન અને વેસ્ટ ઈન્ડિઝના રોય ફ્રેડરિક્સના નામે સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ હતો. તેમણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચમાં 33 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં પંતની આ બીજી સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલા 2022માં તેણે શ્રીલંકા સામે માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો ભારતીય બેટર છે. આ સિવાય યશસ્વી જયસ્વાલ અને શાર્દુલ ઠાકુરે ટેસ્ટ ક્રિકેટમાં 31-31 બોલમાં અડધી સદી ફટકારી છે. સન 1982માં ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવે પહેલી વખત ભારત માટે સૌથી ઝડપી અડધી સદીની સિદ્ધિ પાકિસ્તાન સામે 30 બોલમાં હાંસલ કરી હતી.