ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા વિવાદ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આખરે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરી, 2025થી શરૂ થશે આ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થશે, પરંતુ ભારત તેની મેચો દુબઈમાં રમશે.
સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ટુર્નામેન્ટ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) શરૂઆતમાં હાઇબ્રિડ મોડલ સ્વીકારવા માટે તૈયાર ન હતું, પરંતુ બાદમાં કેટલીક શરતો સાથેમાટે સંમત થયું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં જ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે.
આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. તમામ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-Aમાં પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશનો સમાવેશ થાય છે જ્યારે ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમી ફાઈનલ અનુક્રમે 4 અને 5 માર્ચે થશે. ફાઈનલ 9 માર્ચે થશે. જો ભારત શિખર મુકાબલામાં સ્થાન મેળવે છે, તો ફાઈનલ દુબઈમાં થશે.