જાણીતા ટાઇમ મેગેઝિનમાં વિશ્વની પ્રતિષ્ઠિત કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અદાણી ગ્રુપને સ્થાન આપવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, “આ સન્માન કર્મચારીઓના સંતોષ, આવકમાં વૃદ્ધિ અને સ્થિરતા માટે અદાણી ગ્રુપની કટિબદ્ધતાનું પ્રતિબિંબ ઉજાગર કરે છે. અદાણી ગ્રુપના કઠોર પરિશ્રમ અને તેના હસ્તકના તમામ બિઝનેસીઝમાં મર્યાદાઓને પાર કરીને તે બિઝનેસને આગળ વધારવા તેમજ શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાના સતત પ્રયાસોનું આ પરિણામ છે.” 2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની આ યાદી ત્રણ મુખ્ય પરિમાણોના વિશ્લેષણને આધારે તૈયાર કરવામાં આવી છે.
કર્મચારીનો સંતોષ: અંદાજે 1,70,000 સહભાગીઓ સાથે 50થી વધુ દેશોમાં કરાયેલા સર્વેક્ષણોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભલામણો, કામકાજની સ્થિતિ, પગાર, સમાનતા અને કંપનીની સમગ્ર છાપના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આવક વૃધ્ધિ: આ પરિમાણ અંતર્ગત 2023માં US$100 મિલિયનથી વધુ આવક અને 2021થી 2023 સુધીની વૃદ્ધિ દર્શાવતી કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
સ્થિરતા: આ માપદંડ અંતર્ગત સ્ટેટિસ્ટાના ESG ડેટાબેઝ અને લક્ષિત સંશોધનમાંથી પ્રમાણિત ESG KPIsના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ મૂલ્યાંકનમાં અદાણી પોર્ટફોલિયોની 11માંથી 8 લિસ્ટેડ કંપનીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી. જે સમગ્ર અદાણી ગ્રુપના વ્યાપક સર્વાંગી પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. અન્ય ત્રણ લિસ્ટેડ કંપનીઓ આ આઠ કંપનીઓની પેટા કંપની છે.