કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટના કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 97 ટકા રેલવે લાઈનનું વિદ્યુતીકરણ થઈ ગયું છે અને ખૂબ જ ટૂંક સમયમાં 100 ટકા કામગીરી પૂર્ણ થશે. ગુજરાતને રેલવે વિકાસ માટે રૂ.17155 કરોડનું વિક્રમી બજેટ ફાળવવામાં આવ્યું છે. ગુજરાતમાં રેલવેમાં 1 લાખ 27 હજાર કરોડનું રોકાણ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દાહોદની ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો, ત્યાં એન્જિનનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ ફાસ્ટ ટ્રેક પર છે. અમદાવાદ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું શહેર છે. તેથી રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટમાં શહેરની ધરોહરથી પ્રેરિત આર્કિટેક્ચરલ તત્વો જેવા કે શહેરમાં ઝૂલતા મિનારા, તોરણ પ્રવેશ દ્વાર, પતંગોત્સવ વગેરેનો સમાવેશ કરાશે. આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારતીય રેલવેના મહત્ત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ દેશભરનાં 1,300થી વધારે રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાનો છે.
