કેનેડાના વાનકુવરમાં શનિવારે સાંજે એક વ્યક્તિએ ફિલિપિનો કોમ્યુનિટી ફેસ્ટિવલ માટે એકઠી થયેલી ભીડ પર ગાડી ચડાવી દેતા ઓછામાં ઓછા નવ વ્યક્તિના મોત થયાં હતાં અને સંખ્યાબંધ ઘાયલ થયા હતાં. પોલીસે ઘટનાસ્થળથી એક 30 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કારનો ડ્રાઈવર એશિયન પુરુષ લાગતો હતો અને માનસિક રીતે અસ્વસ્થ લાગતો હતો.
વાનકુવર પોલીસે એક X પોસ્ટમાં જણાવ્યું હતું કે “હાલમાં, અમને વિશ્વાસ છે કે આ ઘટના આતંકવાદી કૃત્ય નહોતું.” આ ઘટના રાત્રે 8 વાગ્યે ઈસ્ટ 41મા એવન્યુ અને ફ્રેઝર સ્ટ્રીટ નજીક બની હતી, જ્યાં ફિલિપાઇન્સના રાષ્ટ્રીય નાયકની ઉજવણી કરતી લાપુ-લાપુ ડે બ્લોક પાર્ટી ચાલી રહી હતી. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ X પર કહ્યું હતું કે “આજે સાંજે વાનકુવરમાં લાપુ-લાપુ ઉત્સવમાં બનેલી ભયાનક ઘટનાઓ વિશે સાંભળીને હું ખૂબ જ દુઃખી છું.”
કેનેડાની ફેડરલ ચૂંટણી સોમવારે યોજાઈ રહી છે ત્યારે આ ઘટના બની હતી. કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર હતાં, પરંતુ ઘટના પહેલા તેઓ ત્યાંથી નીકળી ગયા હતાં.
એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બ્લેક એસયુવી ભીડમાં ઘૂસી ગયા પછી તેને લગભગ 15 લોકોને જમીન પર પડેલા જોયા હતાં. ડ્રાઇવરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઉત્સવમાં ભાગ લેનારા લોકોએ તેનો પીછો કર્યો હતો અને ઝડપી લીધો હતો.
