છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સોમવારે નક્સલવાદીઓએ ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણ (IED)થી વ્હિકલને ઉડાવી દેતાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સ (ડીઆરજી)ના આઠ જવાન અને એક નાગરિક ડ્રાઇવરનું મોત થયું હતું. છેલ્લા બે વર્ષમાં નક્સલવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર કરેલો આ સૌથી મોટો હુમલો છે.
પોલીસ મહાનિરીક્ષક (બસ્તર રેન્જ) સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે, આ ઘટના કુત્રુ પોલીસ સ્ટેશન હેઠળના અંબેલી ગામ નજીક બની હતી. સુરક્ષા જવાનો તેમના સ્કોર્પિયો વાહનમાં નક્સલ વિરોધી અભિયાન બાદ પરત ફરી રહ્યા હતાં ત્યારે આ હુમલો થયો હતો.
ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે છત્તીસગઢ પોલીસ વાહન હુમલામાં 8 સુરક્ષા જવાનો અને ડ્રાઇવરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો અંત લાવવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે “અમારા સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય”.
અગાઉ 26 એપ્રિલ, 2023ના રોજ, નક્સલીઓએ વાહનને વિસ્ફોટથી ઉડાવી દેતાં દસ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિક ડ્રાઇવરનું મોત થયું હતું.