મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા પછી રવિવાર, 11 ઓગસ્ટે ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના 9 દરવાજા 1.50 મીટર સુધી ખોલવામાં આવ્યા હતાં. ડેમમાંથી પાણી છોડવવામાં આવતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરાયા હતા. આ ગામોના રહેવાસીઓને નર્મદા નદીના પટની નજીક ન જવા માટે કહેવામાં આવ્યું હતું. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના 18 ગેટ અને ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું હતું. તેનાથી સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે સરદાર સરોવર ડેમનું જળસ્તર વધીને 134.75 મીટર થયું હતું. ડેમની કુલ ઊંચાઈ 138.68 મીટરના છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 3.5 મીટરનો વધારો થયો હતો.
સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર “હાઈડ્રોઈલેક્ટ્રીસીટીનું ઉત્પાદન કરતા રિવર બેડ પાવર હાઉસ (RBPH) દ્વારા અને સરદાર સરોવર ડેમના નવ રેડિયલ ગેટ ખોલીને કુલ 1,35,000 ક્યુસેક (ઘન ફૂટ પ્રતિ સેકન્ડ) પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે.
વડોદરાના પ્રભારી કલેક્ટર મમતા હિરપરાએ જણાવ્યું હતું કે, જિલ્લાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાઓ હેઠળના 25 ગામોમાં સત્તાવાળાઓ તકેદારી રાખી રહ્યા છે અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામો વડોદરા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા છે અને સ્થાનિક વહીવટીતંત્રને પરિસ્થિતિ પર નજર રાખવા અને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે
રાજ્યમાં સીઝનનો સરેરાશ 70.35 ટકા વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ કેટલાંક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. રાજ્યમાં વાર્ષિક સરેરાશના 70.35 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાર્ષિક સરેરાશના અનુક્રમે 87.35, 78.73 અને 83.96 ટકા વરસાદ થયો છે. આની સામે ઉત્તર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં અનુક્રમે વાર્ષિક સરેરાશના 52.67 અને 53.90 ટકા વરસાદ થયો છે