રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે વહેલી સવારે એક ગેસ ટેન્કર અનેક વ્હિકલ સાથે અથડાયા પછી થયેલા વિસ્ફોટ અને ભભૂકી ઉઠેલી આગમાં ઓછામાં આઠ લોકો જીવતા ભૂંજાયા હતાં અને 35થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. ઓછામાં ઓછા 28 ઘાયલોની હાલત ગંભીર હતી તેથી મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા છે.
આ ભયાનક અકસ્માતથી 30થી વધુ વાહનોને આગની લપેટમાં આવ્યા હતા અને બળીને ખાખ થયા હતા. આકાશમાં ગાઢ કાળો ધુમાડો છવાઈ ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો લગભગ એક કિલોમીટર દૂરથી આગની જ્વાળાઓ દેખાઈ હતી અને ધડાકો 10 કિમી દૂર સુધી સંભળાયો હતો.
રાજસ્થાનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયાં હતાં અને 35થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. કેટલાક લોકો તેમના વાહનોમાંથી બહાર નીકળી શક્યા ન હતાં અને અંદર સળગી ગયાં હતાં. તમામ વાહનોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.
એક અધિકારીએ જણાવ્યું કે રાજસમંદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસ આ અકસ્માત થયો ત્યારે ગેસ ટેન્કરની પાછળ હતી. મુસાફરો વિશે વિગતો મેળવવાના પ્રયાસો ચાલુ હતાં.
રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા અને આરોગ્ય પ્રધાન ગજેન્દ્ર સિંહ ખીમસર એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યાં હતાં. મુખ્યપ્રધાન શર્માએ વહીવટી અધિકારીઓ અને ડોકટરો સાથે વાતચીત કરી હતી અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા માટે આદેશો આપ્યા હતાં. તેમણે અકસ્માત સ્થળની પણ મુલાકાત લીધી હતી.