રાજ્યના 206 જળાશયોમાં રવિવાર સુધીમાં 3.64 લાખ મિલિયન ક્યુબિક ફૂટ પાણી હતું, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 65 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાંથી જળસ્તરમાં વધારાને કારણે 72 જળાશયોને હાઈ એલર્ટ પર અને 22 જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યા હતાં. સાત નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. રાજ્યના 59 ડેમ 100 ટકા ભરાઈ ગયા હતા. સરદાર સરોવર ડેટમ તેની કુલ સ્ટોરેજ ક્ષમતાનો 88.74 ટકા ભરાયો હતો.
જિલ્લાના કલેક્ટરોને એલર્ટ રહેવા મુખ્યપ્રધાનની સૂચના
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના જિલ્લા કલેક્ટર્સ સાથે વાતચીત કરી હતી અને તેમને સમયસર સ્થળાંતર કરવા તેમજ પશુધનની સલામતી સુનિશ્ચિત કરવા સહિત લોકોને રાહત આપવા તમામ પગલાં લેવા જણાવ્યું હતું. મુખ્યપ્રધાને કહ્યું હતું કે સ્ટેટ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સિસ (SDRF અને NDRF) ટીમો તૈનાત કરાઈ હતી.
હળવદ તાલુકામાં ટ્રેક્ટર ટ્રોલી તણાતા સાત લાપતા, 10ને બચાવાયા
ભારે વરસાદ વચ્ચે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક નદીના કોઝવે ઉપરથી પાણીમાંથી પસાર થતી વખતે રવિવારની રાત્રે એક ટ્રેક્ટર ટ્રોલી સાથે તણાઈ જતાં 17માંથી દસ લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે સાત લોકો પાણી તણાઈ ગયા હતા.સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
રાજ્યના મુખ્ય સચિવે સ્થિતિની સમીક્ષા કરી
રાજ્યમાં વધુ વરસાદની આગાહી વચ્ચે મુખ્ય સચિવ રાજ કુમારે રવિવારે સાંજે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. ભારે વરસાદની આગાહીને પગલે મુખ્ય સચિવે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને તમામ જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપી હતી. તેમણે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રવર્તમાન વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય મથક પર ફરજ પર હાજર રહેવા સૂચના આપી હતી. મુખ્ય સચિવે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે ખાસ કરીને એવા સ્થળોએ સતર્ક રહેવું જોઈએ જ્યાં વરસાદ સંબંધિત કોઈ દુર્ઘટનાને ટાળવા માટે શ્રાવણ મહિનામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવના છે.