અમેરિકાના કેન્ટુકી રાજ્યના લંડન સિટી નજીક હાઇવે પર શનિવારના એક બંદૂકધારીએ કરેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયાં હતાં. સત્તાવાળાએ ગનમેનની શોધખોળ ચાલુ કરી લોકોને જ ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. શૂટિંગની ઘટનાના ત્રણ કલાક પછી એક પોલીસ ઓફિસરે જણાવ્યું કે હુમલાખોરની ઉંમર લગભગ 32 વર્ષ છે. તેનું નામ જોસેફ કાઉચ હોવાની ધારણા છે અને તેના વિશે કોઈ માહિતી હોય તો તમે 911 પર જાણ કરી શકો છો. હુમલાખોર શ્વેત છે અને 5 ફૂટ 10 ઈંચની ઉંચાઈ ધરાવે છે.
લોરેલ કાઉન્ટી શેરિફ ઓફિસે અહેવાલ આપ્યો કે અસંખ્ય લોકોને ગોળી મારી દેવામાં આવી હતી અને ઇન્ટરસ્ટેટ હાઇવે 75 થોડા સમય માટે લંડનથી લગભગ નવ માઇલ ઉત્તરે બંધ કરાયો હતો.
ડેનિયલ બૂન નેશનલ ફોરેસ્ટ પાસે લંડન નામનું નાનકડું ટાઉન છે, જેમાં લગભગ 8,000 લોકોની વસતી છે. હજુ સુધી કોઈનું મોત થયું હોવાના અહેવાલ નથી. પોલીસે પણ હુમલાના પ્રકાર અને જાનહાની વિશે કોઈ વધારે માહિતી આપી ન હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં બધા લોકોને પોતાના ઘરના દરવાજા બંધ રાખવા અને બહાર ન નીકળવાની સૂચના આપી છે. જ્યાં સુધી હુમલાખોર પકડાઈ ન જાય ત્યાં સુધી બધાએ સાવધાન રહેવું પડશે.