. (PTI Photo)

ગુજરાતના દ્વારકા નજીક શનિવાર સાંજે 29 સપ્ટેમ્બરે એક બસ રોડ ડિવાઈડર તોડીને ત્રણ વાહનો સાથે અથડાતા ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા અને 14ને ઈજા થઈ હતી. બસના ડ્રાઇવરે રસ્તા પરના ઢોરોને બચાવવાનો પ્રયાસ કરતાં તેને બસ પરનો અંકુશ ગુમાવ્યો હતો અને તેથી બસ ડિવાઈડર કૂદી ગઈ હતી તથા વિરુદ્ધ દિશામાંથી આવતી એક મિનીવાન, એક કાર અને મોટરસાઈકલ સાથે અથડાઈ હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર ડી એચ ભટ્ટે જણાવ્યું હતું કે, મૃતકોમાંથી છ વ્યક્તિ મિનિવાનમાં મુસાફરી કરી રહ્યા હતાં, જ્યારે એક બસનો મુસાફર હતો.મિનિવાન ગાંધીનગરથી દ્વારકા તરફ જઈ રહી હતી અને તેના ગંતવ્ય સ્થાનથી માત્ર થોડા કિલોમીટર દૂર હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી.

સાત લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાં ચાર બાળકો, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ હેતલબેન ઠાકોર (25), તાન્યા (2), રિયાંશ (3), વિશાન (7), પ્રિયાંશી (13), ભાવનાબેન ઠાકોર (35) અને ચિરાગ રાણાભાઈ (25) તરીકે થઈ હતી.તેમાંથી છ ગાંધીનગરના કલોલના અને એક દ્વારકાનો રહેવાસી હતો.

બનાવની જાણ થતા દ્વારકા પ્રાંત અધિકારી અને દ્વારકા પોલીસ, ફાયર બ્રિગેડ, ઈમરજન્સી 108 સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં રાહદારીઓ અને આસપાસના વિસ્તારના લોકો પણ મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલ, ખંભાળિયા હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY