ગુજરાતની જીવાદોર સમાન સરદાર સરોવર ડેમ લગભગ પૂર્ણ ભરાઈ જતાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સૌરાષ્ટ્રના સાત અને ઉત્તર ગુજરાતના 4 જિલ્લાને નર્મદા નદીનું પાણી આપવાનો નિર્ણય કર્યો હતો.
પાણી સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો હતી. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને સૌની યોજનાની ચાર પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણીનો પુરવઠો આપવામાં આવશે.
આ જળાશયોમાં હાલમાં પાઈપલાઈનો દ્વારા પાણી પહોંચાડવાની શરૂઆત કરાઈ છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં આ જિલ્લાઓના આશરે 600 ચેકડેમ/તળાવો પણ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના 4 જિલ્લાને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કરાયો હતો.આ જિલ્લામાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાનો સમાવેશ થાય છે. ચારેય જિલ્લાના 952 તળાવો ભરવાનું આયોજન કરાયું છે. જૂદી-જૂદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાના પાણીની તળાવો ભરવામાં આવશે.
હાલની ચોમાસાની સિઝનમાં પહેલી વાર સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.88 મીટરે પહોચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલીને કુલ 1,79,444 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હવે ડેમ ઓવરફ્લો થવાથી 2.80 મીટર દૂર છે.