ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’. સમગ્ર વન્ય – જળચર જીવ સૃષ્ટિના સંવર્ધન માટે અનેકવિધ પ્રકલ્પોની સાથે-સાથે તેમના સંરક્ષણ માટે કડક કાયદા પણ બનાવવામાં આવ્યા છે.

તાજેતરમાં ગુજરાતમાં વન વિભાગ દ્વારા ગુજરાતમાં ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’ કરવામાં આવી હતી. રાજ્યના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે. વન પ્રધાને મુળુભાઈએ ડોલ્ફિન વસ્તી ગણતરી- ૨૦૨૪ની વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ‘ઘર’ તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખા થી નવલખી સુધી વિસ્તરેલા ૧,૩૮૪ ચો.કિ.મીની ના વિસ્તારમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરના ૪૯૪ ચો.કિ.મી.માં ૧૦ તેમજ મોરબીના ૩૮૮ ચો.કિ.મી.માં ૪ ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયા વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે.

‘સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી’ છે. સમુદ્રી દરિયાઇ સસ્તન પ્રાણીઓના કેટલાક ટોચના શિકારી આહાર શ્રૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ – વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

ડોલ્ફિન ગણતરીની પદ્ધતિ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ સર્વે વન વિભાગ સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે બે દિવસ માટે યોજાયો હતો, જેમાં દરેક ટીમમાં ટેકનિકલ-વૈજ્ઞાનિક, નિરીક્ષક, ફોટોગ્રાફર અને ક્ષેત્ર સહાયક એમ કુલ મળીને ૪૭ વિશેષજ્ઞ જોડાયા હતા. વિવિધ બોટના માધ્યમથી કરાયેલા સર્વેમાં સહાયકોને દૂરબીન, G.P.S. યુનિટ જેવા અતિઆધુનિક ટેકનોલોજીની સુવિધા આપવામાં આવેલ હતી.

LEAVE A REPLY