ગુજરાતના 193 તાલુકામાં સોમવાર, 29 જુલાઇએ 6.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 8 કલાકમાં 6.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના વિસનગરમાં 6 ઈંચ અને મહેસાણા તાલુકામાં 5.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. 23 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતાં. તેમાં પ્રાંતિજ, વિસનગર, મહેસાણા, વિજાપુર, લુણાવાડા, વડગામ, હિંમતનગર, તલોદ, મોડાસા, જોટાણા, માણસા, મેહરાજ, વડનગર, ઊંઝા, સાંતલપુર, બેચરાજી કપરાડા, પાલનપુર, ખાનપુર, બાયડ, ભિલોડા, સંતરામપુર, વડોદરા વગેરે તાલુકાનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં સહિતના સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદના અહેવાલ મળ્યાં હતાં. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના 8 કલાકના સમયગાળા દરમિયાન 6.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના વિસનગરમાં 6 ઈંચ અને મહેસાણા તાલુકામાં 5.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના વડગામ તાલુકામાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં માત્ર 2 કલાકમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ટુંક સમયમાં પડેલા ભારે વરસાદથી હિંમતનગરમાં પાણી ભરાયા હતા. હમીરગઢ ગામમાં રેલ્વે અંડરપાસ પરથી પસાર થતી વખતે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. સદનસીબે, બસમાં કોઈ મુસાફરો નહોતા, અને ડ્રાઈવર અને કંડક્ટર બસની ઉપર ચઢી ગયા હતા, ત્યારબાદ સ્થાનિક લોકોએ દોરડાની મદદથી તેમને બચાવી લીધા હતા. પાણીનું સ્તર એટલું હતું કે બસની માત્ર છત જ દેખાતી હતી.
મહેસાણામાં ગોપીનાળા અંડરપાસમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવાયા હતાં. આ લોકો ટ્રેક્ટરમાં અંડરપાસ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણી ભરાયેલા વિસ્તારમાં વાહન ભરાઈ જતાં તેઓ ફસાઈ ગયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં.
રાજ્યમાં ગયા સપ્તાહે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વ્યાપક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજ્યમાં 28 જુલાઇ સુધીમાં સીઝનનો આશરે 55 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં ભારે વરસાદને કારણે વરસાદની ઘટ ધરાવતા જિલ્લાની સંખ્યા સાત દિવસમાં 16થી ઘટીને 11 થઈ હતી. ખાસ કરીને હજુ પણ ઉત્તર અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં વરસાદની ખાધ છે.