પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દક્ષિણપૂર્વ એશિયાના દેશ લાઓસમાં ભારતીય દૂતાવાસે બોકિયો પ્રાંતના ગોલ્ડન ટ્રાયેન્ગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) સ્થિત સાયબર-સ્કેમ સેન્ટરોમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક બચાવ્યા હતો. આ ભારતીયોને ઊંચા પગારની નોકરીની લાલચ આપીને ત્યાં લઈ જવાયા હતા. SEZમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાર્યવાહી પછી લાઓસના સત્તાવાળાઓએ 29 લોકો દૂતાવાસને સોંપ્યા હતાં, એમ લાઓસ ખાતેના ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું હતું.લાઓસમાં આવા સ્કેમમાં ફસાવવામાં આવેલા અત્યાર સુધી 635 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત રીતે ભારત મોકલવામાં આવ્યાં છે.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે તેના અધિકારીઓ રાજધાની વિએન્ટિઆનથી બોકિયો પ્રાંતમાં ગયા હતાં અને સ્થાનિક સત્તાવાળા સાથે સંકલન કરી આ ભારતીયોને બચાવ્યાં હતાં. લાઓસમાં ભારતીય રાજદૂત પ્રશાંત અગ્રવાલ વિએન્ટિઆન ખાતે લાવવામાં આવેલા આ ભારતીયોને મળ્યા હતાં અને તેમની આપવીતિ સાભળી હતી. દૂતાવાસે આ વ્યક્તિઓને સ્વદેશ પરત મોકલવા માટે લાઓસ સત્તાવાળાઓ સાથે તમામ જરૂરી ઐપચારિકતા પૂરી કરી હતી.

રાજદૂત અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી દૂતાવાસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સહાય માટેની તમામ વિનંતીઓ અંગે તાકીદે પ્રતિભાવ આપવામાં આવે છે.

લાઓસ સત્તાવાળાઓનો તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કરીને દૂતાવાસે આવા કૌભાંડોમાં ભારતીય નાગરિકોને લલચાવવા માટે જવાબદાર તત્વો સામે પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો.

દૂતાવાસે ઘણીવાર ચેતવણીઓ આપી છે કે લાઓસમાં નોકરીની ઓફરની કાળજીપૂર્વક વિચારણા કરવી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આવી ઓફર સ્વીકારવી. આમાંની ઘણી નકલી જોબ ઓફર્સમાં ડિજિટલ સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ અથવા કસ્ટમર સપોર્ટ સર્વિસની નોકરીનું પ્રલોભન આપવામાં આવે છે અને કોલ સેન્ટર સ્કેમ કે ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં ફસાવવામાં આવે છે. દુબઈ, બેંગકોક, સિંગાપોર અને ભારત સ્થિત એજન્ટો  ઊંચા પગાર, હોટેલ બુકિંગ, રિટર્ન એર ટિકિટ અને વિઝાની સુવિધાના વચનો સાથે ભારતીય નાગરિકોની ભરતી કરતા હોય છે.

LEAVE A REPLY