ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે હિમપ્રપાતને પગલે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના ઓછામાં ઓછા 41 કામદારો ફસાયા છે. આ ઘટના બદ્રીનાથ મંદિરથી પાંચ કિલોમીટર દૂર સરહદી ગામ માના પાસે બની હતી.
કુલ 57 કામદારો હતા, જેમાંથી 16ને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા હતાં અને ગંભીર હાલતમાં માના ગામ પાસેના આર્મી કેમ્પમાં મોકલવામાં આવ્યા હતાં. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક દીપમ સેઠે માહિતી આપી હતી કે ઘટના સમયે બીઆરઓ કેમ્પમાં 57 રોડ બાંધકામ કામદારો તૈનાત હતા.છેલ્લા બે કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે. મુખ્ય પડકાર ખરાબ હવામાન છે. તેજ પવન સાથે હિમવર્ષા થઈ રહી છે…રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે. અમે રસ્તો ખોલવા માટે સ્નો કટર તૈનાત કર્યા છે.
બીઆરઓ (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન)ના કાર્યકારી ઈજનેર સીઆર મીનાએ જણાવ્યુ હતું કે ત્રણથી ચાર એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે, પરંતુ ભારે હિમવર્ષાને કારણે બચાવ ટીમને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે તેથી, અમે હેલી-સેવાઓ ગોઠવવામાં અસમર્થ છીએ. હિલચાલ મુશ્કેલ છે.
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે તેઓ આ ઘટનાથી “દુ:ખી” છે અને ખાતરી આપી હતી કે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
