જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સશસ્ત્ર આતંકવાદીઓ સામેના એન્કાઉન્ટરમાં એક કેપ્ટન સહિત ચાર સૈનિકૌ શહીદ થયાં હતાં. આતંકવાદીઓને ટ્રેક કરીને તેમનો સફાયો કરવા માટે વધુ લશ્કરી દળો મોકલવામાં આવ્યાં હતા. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ડોડા જિલ્લાના જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ત્રીજી મોટી અથડામણ હતી.
એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકોની ઓળખ કેપ્ટન બ્રિજેશ થાપા, નાઈક ડી રાજેશ, સિપાહી બિજેન્દ્ર અને સિપાહી અજય તરીકે કરવામાં આવી હતી. કઠુઆ જિલ્લાના દૂરના માચેડી જંગલમાં આર્મી પેટ્રોલિંગ પર આતંકવાદી હુમલામાં પાંચ સૈનિકોના મોતના એક સપ્તાહ પછી વધુ જાનહાની થઈ હતી.
રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા જંગલમાં ધારી ગોટે ઉરારબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલુ કર્યું ત્યારે આ એન્કાઉન્ટર થયું હતું. સામ-સામા ગોળીબાર આતંકવાદીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દુર્ગમ પ્રદેશમાં કેપ્ટનની આગેવાની હેઠળના સૈનિકોએ તેમનો પીછો કર્યો હતો. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બીજી વખત ફાયરિંગ ચાલુ થયું હતું. આ અથડામણમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેપ્ટન સહિત તેમાંથી ચારે બાદમાં ઈજાઓથી મૃત્યુ પામ્યા હતા.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને આર્મીના અધિકારીઓએ આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા બહાદુરો સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.