પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મોદી સરકારે સોમવારે ગુજરાતના સાણંદમાં રૂ.3,307 કરોડનું સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેનિસ સેમિકોનની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ પ્લાન્ટમાં દરરોજ 6.3 મિલિયન ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવશે. આની સાથે દેશમાં અત્યાર સુધી કુલ પાંચ સેમિકન્ડટર પ્લાન્ટને મંજૂરી મળી છે તેવામાંથી ચાર ગુજરાતમાં સ્થાપાશે. આ પહેલા માઈક્રોન ટેકનોલોજી, ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને સીજી પાવર નામની ત્રણ કંપનીઓએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની યોજના જાહેર કરી છે.

કેનિસ સેમિકોનનો આ પ્લાન્ટ 46 એકર જમીનમાં સ્થાપવામાં આવશે. કંપનીએ પ્રોજેક્ટ માટે ગુજરાતના સાણંદમાં જમીન સંપાદિત કરી લીધી છે અને ટૂંક સમયમાં બાંધકામ શરૂ થશે.

કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી પત્રકારોને સંબોધતા, IT પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે  ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ભારતમાં સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ આવી રહી છે અને વચન આપ્યું હતું કે દેશ આ “ફાઉન્ડેશનલ” સેક્ટરનો લાંબા ગાળાનો દૃષ્ટિકોણ લેશે અને તેમાં ખર્ચમાં વધારો કરશે.

ટાટાના ધોલેરા પ્લાન્ટ અંગે અપડેટ આપતા પ્રધાને માહિતી આપી હતી કે “મોટા અને જટિલ પ્રોજેક્ટ” માટે જમીન સંપાદનની કામગીરી પૂરી થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા ઈલેક્ટ્રોનિક્સ તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (PSMC) સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરશે. આ ફેબ પ્લાન્ટ ગુજરાતના ધોલેરા ખાતે આવશે અને તેમાં રૂ. 91,000 કરોડનું રોકાણ થશે.

માઈક્રોનના પ્રોજેક્ટની સ્થિતિ અંગે પ્રધાને કહ્યું હતું કે આ પ્લાન્ટમાં આગામી વર્ષના મધ્યભાગ સુધીમાં પ્રથમ પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ચિપનું ઉત્પાદન થશે. ગયા વર્ષે જૂનમાં માઈક્રોને ગુજરાતમાં નવી એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટ સ્થાપવા માટે 825 મિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY