જામનગરના એક જ પરિવારના ચાર સભ્યોએ બુધવારે દેવભૂમિદ્વારકાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે અવાવરૂં જગ્યાએ જઈને ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો હતો. માતા-પિતા તથા પુત્ર-પુત્રી ધારાગઢ આવ્યા હતા અને રેલવે ફાટક પાસે કથિત રીતે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
મૃતકોની ઓળખ જામનગરના માધવબાગ-૧માં રહેતાં અશોક જેઠાભાઈ ધુંવા (ઉં.૪૨), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉં.૪૨), જિજ્ઞેશ અશોકભાઈ ધુંવા (ઉં.૨૦) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉ.૧૮) તરીકે થઈ હતી. નાના એવા ધારાગઢ ગામ પાસેથી એકસાથે ચાર મૃતદેહ મળતાં ગામમાં ચકચાર મચી હતી. પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આપઘાતના કારણોની તપાસ ચાલુ કરી હતી.
સ્થળ નજીકથી કપાસમાં છાંટવાની ઝેરી દવા મળી આવી હતી. જેના આધારે તે પી આત્મહત્યા કરી લીધાના તારણ પર પોલીસ પહોંચી હતી. જોકે પરિવારના ચારેય સભ્યોએ કયા કારણથી આ અંતિમ પગલું ભર્યું તે વિશે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ માહિતી મળી નથી. પરંતુ આપઘાત પાછળનું કારણ ગંભીર હશે તેવું પોલીસ માની રહી છે. ચોકકસ કારણ જાણવા માટે પોલીસે મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે. મૃતકોના પરિવારજનોની પણ પોલીસ પુછપરછ કરશે.