ખાનગી કંપનીને સરકારી જમીન ફાળવવામાં ગેરરીતિ અંગેના 2011ના એક કેસમાં કચ્છ જિલ્લાની એક કોર્ટે શનિવારે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ જમીનની ફાળવણી કરાઈ ત્યારે પ્રદીપ શર્મા કચ્છ જિલ્લાના કલેક્ટર હતા અને તેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું હતું.
કોર્ટે પ્રદીપ શર્મા ઉપરાંત સિટી પ્લાનર નટુભાઈ દેસાઈ, તત્કાલીન મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિ અને તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર અજિતસિંહ ઝાલાને પણ પાંચ વર્ષની કેદ અને રૂ. 1૦,૦૦૦ દંડની સજા ફટકારી હતી.
આ કેસ મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ખાતે આવેલી જિંદાલ સો પાઈપ્સ કંપનીને અયોગ્ય રીતે જમીનની ફાળવણી
સંબંધિત છે. કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માને બે હેકટર જમીન ૧૫ લાખ રૂપિયાની નજીવી કિંમતે ઔદ્યોગિક હેતુ માટે મંજુર કરવાની સત્તા હતી. જેની સામે શર્માએ ૪૭,૧૭૩ ચો.મી. જમીન મંજુર કરી દીધી હતી. તેમના પર સરકારના હુકમની અવગણના કરવાનો અને બદઈરાદે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો જે આરોપ હતો.
અગાઉ 2004 ભ્રષ્ટાચારના એક કેસમાં અમદાવાદની સેશન કોર્ટે પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા કરી હતી. ભૂજે કોર્ટે જણાવ્યું હતું કે આ સજા પૂરી થયા પછી તેમની સખત કેદની સજાનો પ્રારંભ થશે. પ્રદીપ શર્માની 4 માર્ચ 2011ના રોજ ધરપકડ થઈ હતી.
