વડોદરામાં દરગાહમાં પગરખાં પહેરીને ફરવા બદલ એક ખાનગી યુનિવર્સિટીના ચાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર એક ટોળાએ હુમલો કર્યો હતો. આ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા ન સમજતા હોવાથી આ ઘટના બની હતી. આ હુમલામાં એક વિદેશી વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજાઓ તેમજ હાથ અને પગમાં ઈજાઓ થઈ હતી. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી.
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, 14 માર્ચની સાંજે થાઈલેન્ડ, સુદાન, મોઝામ્બિક અને યુકેના રહેવાસી તથા પારુલ યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓનો હોસ્ટેલ બિલ્ડિંગ નજીક લિમડા ગામમાં લગભગ 10 વ્યક્તિઓએ પીછો કરીને હુમલો કર્યો હતો. એક વ્યક્તિએ આ વિદેશી વિદ્યાર્થીઓને કબર પર જૂતા પહેરીને ન ચાલવાનું કહ્યું હતું, પરંતુ તેઓ ગુજરાતી ભાષામાં સમજી શક્યા ન હતા. ત્રણ વિદ્યાર્થીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતા, પરંતુ થાઈલેન્ડના બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (બીસીએ)ના બીજા વર્ષના વિદ્યાર્થી સુફાચ કાંગવનરત્ન (20)ને લાકડીઓ, ક્રિકેટ બેટ અને પથ્થરોથી માર મારવામાં આવતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ વિદ્યાર્થીને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં કરાયો હતો.
વાઘોડિયા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાના સંબંધમાં મુખ્તિયાર શેખ, રાજેશ વસાવા, રવિ વસાવા, સ્વરાજ વસાવા અને પ્રવિણ વસાવા તરીકે ઓળખાતા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને બે સગીરોની અટકાયત લેવામાં આવ્યા હતાં.
યુનિવર્સિટીના અધિકારીની ફરિયાદમાં જણાવાયું હતું કે પારુલ યુનિવર્સિટીના ચાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એટીએમમાંથી પૈસા ઉપાડીને તેમના હોસ્ટેલ નજીક લીમડા ગામમાં એક તળાવ તરફ ચાલી રહ્યા હતાં ત્યારે લાકડીઓ, ક્રિકેટ બેટ અને પથ્થરોથી સજ્જ લગભગ 10 ગ્રામજનોના જૂથે તેમના પર હુમલો કર્યો હતો. તળાવ તરફ ચાલતી વખતે, તેઓ એક દરગાહ પર ગયા હતાં જ્યાં ત્યાં હાજર એક વ્યક્તિએ તેમને ગુજરાતીમાં કહ્યું કે તેઓ ત્યાં જૂતા પહેરીને ન ચાલે. તેઓ ભાષા સમજી શકતા ન હતા અને તેથી, તેઓએ તેની સૂચનાનું પાલન ન કર્યું.
