ગુજરાતના અમરેલી જિલ્લાના રાંધિયા ગામમાં રમતી વખતે કારની અંદર લૉક થઈ જતાં ગૂંગળામણને કારણે ચાર બાળકોના મોત થયાં હતાં. મૃતક બાળકો મધ્યપ્રદેશના ધારના ખેતમજૂર દંપતીના બાળકો હતાં અને આ ઘટના શનિવારે બની હતી.
જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે માતા-પિતા સવારે 7.30 વાગ્યે તેમના સાત બાળકોને છોડીને ભરત મંડાણીના ખેતરમાં કામ કરવા માટે નીકળ્યા હતા. ચાર બાળકો તેમના ઘરની નજીક પાર્ક કરેલી ફાર્મ માલિકની કારમાં ઘૂસી ગયાં હતાં અને કાર લોક થઈ ગઈ હતી. તેઓનું શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયું હતું. આ બાળકો 2થી 7 વર્ષના હતાં. તેમના માતા-પિતા અને કાર માલિક શનિવારે સાંજે પાછા ફર્યા, ત્યારે તેઓને મૃતદેહો મળ્યા હતાં. અમરેલી (તાલુકા) પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો.