અમેરિકાની સરકાર એક દાયકામાં સૌથી વધુ ઝડપથી સિટિઝનશીપની અરજીઓને પ્રોસેસ કરી રહી છે અને બાઇડન સરકારના કાર્યકાળ દરમિયાન આશરે 3.3 મિલિયન ઇમિગ્રન્ટ સિટિઝન બન્યાં છે. આ પહેલા 2013-14માં અમેરિકાએ આટલી મોટી સંખ્યામાં ઈમિગ્રન્ટ્સને સિટીઝનશિપ આપી હતી, એમ ન્યૂયોર્ક ટાઇમ્સના એક રીસર્ચ રીપોર્ટમાં જણાવાયું હતું.
ઘણા કેસમાં તો સિટીઝન બનનારા લોકો તરત જ વોટર-રજિસ્ટ્રેશન ફોર્મ પણ ભરી દે છે, જેથી નવેમ્બરમાં વોટ કરવામાં તેમને કોઈ તકલીફ ના થાય. છેલ્લાં પાંચ મહિનાથી એપ્લિકેશન પ્રોસેસિંગની ઝડપ હવે 2013 અને 2014 જેટલી થઈ હતી. સમગ્ર દેશમાં કોર્ટહાઉસ, સંમેલન કેન્દ્રો અને રમતના મેદાનોમાં યોજાતા સમારંભોમાં હજારો ઇમિગ્રન્ટ્સ દર અઠવાડિયે નવા અમેરિકનો બની રહ્યા છે અને આ પ્રમુખપદની ચૂંટણી માટે સમયસર મતદાન કરવા માટે લાયક બની રહ્યા છે.
નેચરલાઈઝેશનની એપ્લિકેશન હાલ એવરેજ 4.9 મહિનામાં પ્રોસેસ કરી દેવામાં આવે છે, જ્યારે 2021માં આ પિરિયડ 11.5 મહિના જેટલો લાંબો હતો. બાઈડને સત્તા સંભાળી તે વખતે જ તેમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરીને ટ્રમ્પના સમયમાં ઈમિગ્રન્ટ્સને સિટીઝનશિપ આપવા પર મૂકેલા નિયંત્રણો દૂર કર્યા હતા તેમજ એપ્લિકેશન પ્રોસેસ કરવાનો સમય પણ ઓછો થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ બાઈડને પોતાના અધિકારીઓને તાકીદ કરી હતી.
બાઈડને સત્તા સંભાળ્યા બાદ નવી ટેક્નોલોજી અને એડિશનલ સ્ટાફ તૈનાત કરીને 2022થી જ સિટીઝનશિપની એપ્લિકેશન્સનો બેકલોગ ઘટાડવા પર કામ શરૂ કર્યું હતું. અગાઉ નેચરલાઈઝેશન એપ્લિકેશન પણ 20 પેજની આવતી હતી જેને ઘટાડીને 14 પેજ કરવામાં આવ્યા હતાં. બાઈડને ભલે એપ્લિકેશન ફી 640 ડોલરથી વધારીને 710 ડોલર કરી હતી પરંતુ તેમણે આ કામ આસાન બનાવી દીધું હતું.
તે સ્પષ્ટ નથી કે કેટલા નવા મતદારો બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં રહે છે, પરંતુ સંખ્યાબંધ રાજ્યો જ્યાં કમલા હેરિસ અથવા ડોનાલ્ડ ટ્રમ્પ જીતવું ફરજિયાત છે તેવા જ્યોર્જિયા, એરિઝોના, નેવાડા અને પેન્સિલવેનિયા નવા મતદાતામાં વધારો થઈ રહ્યો છે.