18 સપ્ટેમ્બર, 2024 ના રોજ લેબનોનના સિડોનમાં મોબાઇલ શોપમાંથી ધુમાડો નીકળતાં લોકો એકઠા થયા. REUTERS/Hassan Hankir

લેબનોનમાં હિઝબુલ્લા સંગઠનના ગઢમાં છેલ્લા બે દિવસમાં શ્રેણીબદ્ધ પેજર્સ વિસ્ફોટ પછી સેંકડો વોકીટોકીમાં વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતાં અને 3,250થી વધુ ઘાયલ થયા હતા. આનાથી ઇઝરાયેલ સાથેની તંગદિલીમાં વધારો થયો હતો. લેબનોમાં આવા અનેક વિસ્ફોટોથી હોસ્પિટલો ઘાયલ લોકોથી ઉભરાઈ હતી.

ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના સભ્યો વોકી-ટોકીનો મોટાપાયે ઉપયોગ કરે છે. બુધવારે આ આતંકી સંગઠનનના બેરુત ગઢમાં સેંકડો વોકી-ટોકીમાં વિસ્ફોટો થયા હતા, જેમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતાં અને 450થી વધુ લોકો ઘાયલ થયા હતા. લેબનોનમાં હિઝબોલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજરોમાં વિસ્ફોટ થયાના એક દિવસ પછી આ વિસ્ફોટ થયા, જેમાં બે બાળકો સહિત 12 લોકો માર્યા ગયા અને લગભગ 2,800 ઘાયલ થયા હતાં.
હિઝબોલ્લાહે કહ્યું હતું કે ઇઝરાયેલ “આ ગુનાહિત આક્રમણ માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે” અને અમે તેનો બદલો લઇશું. ઈઝરાયેલે હજુ સુધી આ વિસ્ફોટો અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું.

મંગળવારના વિસ્ફોટોમાં સૂત્રોએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાએ 5,000 પેજર્સના ઓર્ડર્સ આપ્યા હતાં. આ પેજર્સ લેબનોનમાં પ્રવેશે તે પહેલા ઇઝરાયેલી જાસૂસોએ તેમાં વિસ્ફોટકો ગોઠવી દીધા હતાં અને તેમાં દૂરથી વિસ્ફોટો કર્યા હતા. હિઝબુંલ્લાના સભ્યો મોબાઇલ ફોનની ઇઝરાયેલની દેખરેખથી બચવા પેજર અને અન્ય લો-ટેક સંચાર ઉપકરણો તરફ વળ્યા છે ત્યારે આ પ્રકારના હુમલા થઈ રહ્યાં છે.

મધ્ય પૂર્વમાં ઈરાનના સૌથી શક્તિશાળી પ્રોક્સી હિઝબુલ્લાહે બુધવારે કહ્યું કે તેને ઈઝરાયેલી આર્ટિલરી પોઝિશન પર રોકેટ વડે હુમલો કર્યો હતો. જો કે, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે કોઈ નુકસાન અથવા જાનહાનિના અહેવાલ નથી.
યુએસએ લેબનોનમાં બે દિવસના વિસ્ફોટો પછી મધ્ય પૂર્વમાં “તંગદિલીમાં વધારો” સામે તમામ પક્ષોને ચેતવણી આપી હતી. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી હતી કે હિઝબુલ્લાહને નિશાન બનાવતા પેજર વિસ્ફોટો લેબેનોનમાં ગંભીર જોખમ સૂચવે છે અને તંગદિલીમાં ઘટાડો કરવા શક્ય તમામ પ્રયાસો કરવા જોઇએ.

7 ઓક્ટોબર, 2023ના રોજ ગાઝામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી ઇઝરાઇલ અને હિઝબુલ્લાહ લેબનીઝ સરહદ પર લડી રહ્યા છે.

LEAVE A REPLY