ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને રૂ.1,800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીને પગલે દાણચોરોએ આ ડ્રગ્સનો જથ્થો ફેંકીને આંતરરાષ્ટ્રીય સીમા રેખાની પાર ભાગી ગયા હતા. જપ્ત કરાયેલ ડ્રગ્સ મેથામ્ફેટામાઇન હોવાની શંકા છે અને તેને વધુ તપાસ માટે ATSને સોંપવામાં આવ્યું હતું.
૧૨ અને ૧૩ એપ્રિલની રાત્રે ગુજરાતથી દૂર અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.કોસ્ટ ગાર્ડના જહાજને નજીક આવતા જોઈને હોડી પર સવાર તસ્કરોએ પ્રતિબંધિત માલ દરિયામાં ફેંકી દીધો અને ભાગી ગયા હતાં. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા.કોસ્ટગાર્ડ અને એટીએસનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી અને પકડી લીધી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13મી એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી.
