ગાઝાના વર્તમાન સંઘર્ષમાં ઇઝરાયેલી ડીફેન્સ ફોર્સને ઉપયોગમાં આવનાર માલ-સામગ્રી માટેના લગભગ 30 લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની યુકે સરકારે તા. 2ના રોજ જાહેરાત કરી છે. યુકે દ્વારા આશરે 350 લાયસન્સ ઇસ્યુ થયા છે.
સરકારે કહ્યું હતું કે તેનો ઉપયોગ “આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ગંભીર ઉલ્લંઘન” માટે થઈ શકે છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ-કુડ્સ ફોર્સ અને IRGC યુનિટમાં મધ્ય પૂર્વની સ્થિરતાને જોખમમાં મૂકવા બદલ ત્રણ વ્યક્તિઓ સામે પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે.
યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ હાઉસ ઓફ કોમન્સમાં એક નિવેદન જારી કરતાં કહ્યું હતું કે ‘’350માંથી 30 નિકાસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે જે “બ્લેન્કેટ પ્રતિબંધ” અથવા “શસ્ત્ર પ્રતિબંધ” સમાન નથી. આવા સંઘર્ષનો સામનો કરવા માટે, બ્રિટનના નિકાસ લાયસન્સની સમીક્ષા કરવી તે આ સરકારની કાનૂની ફરજ છે. મને જે મૂલ્યાંકન પ્રાપ્ત થયું છે તેનાથી હું ઇઝરાયેલને યુકેના ચોક્કસ શસ્ત્રોની નિકાસ માટે અસમર્થ છું, ત્યાં સ્પષ્ટ જોખમ છે કે તેનો ઉપયોગ ગંભીર કૃત્ય કરવા અથવા સુવિધા આપવા માટે થઈ શકે છે. જે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન છે. અમે પદ સંભાળ્યા પછી તરત જ સમીક્ષા શરૂ કરી હતી. અમે અગાઉની કન્ઝર્વેટિવ સરકારે જે પ્રક્રિયાની સ્થાપના કરી હતી તેના દરેક તબક્કાનું સખતપણે પાલન કર્યું છે.”
લેમીએ એ પણ પુનરોચ્ચાર કર્યો કે યુકે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઇઝરાયેલના સ્વ બચાવના અધિકારને સમર્થન આપવાનું ચાલુ રાખે છે અને તે “ઇરાન તરફથી ખતરાનો સામનો કરવા” ઇઝરાયેલ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.
જુલાઇની સામાન્ય ચૂંટણીમાં સત્તા પર ચૂંટાઇ ત્યારથી લેબર પાર્ટીની સરકાર ગાઝામાં યુદ્ધની વચ્ચે ઇઝરાયેલ સામે કડક વલણ અપનાવવા માટેના દબાણ હેઠળ છે. યુકે ઇઝરાયેલને શસ્ત્રો સીધા સપ્લાય કરતું નથી, તે બ્રિટિશ કંપનીઓને દેશમાં શસ્ત્રો વેચવા માટે નિકાસ લાઇસન્સ આપે છે.
સ્થગિત કરાયેલ ચીજ-વસ્તુઓની યાદીમાં લશ્કરી વિમાનમાં વપરાતા મહત્વના ઘટકોનો સમાવેશ થાય છે, જેમાં ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોન તેમજ ગ્રાઉન્ડ ટાર્ગેટીંગની સુવિધા આપતી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ગાઝામાં કરવામાં આવશે.