નક્સલવાદીઓ સામે નવું ઓપરેશન હાથ ધરીને સુરક્ષા દળોએ ગુરુવારે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદીઓ)ના ઓછામાં ઓછા 30 સભ્યોને ઠાર કર્યા હતાં. બીજાપુર જિલ્લામાં 26 નક્સલીઓ માર્યા ગયાં હતાં, જ્યારે કાંકેરમાં BSF અને રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના કર્મચારીઓની સંયુક્ત ટીમે ચાર માઓવાદીઓને ઠાર કર્યા હતાં. બીજાપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન પણ શહીદ થયો હતો.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે આ બે એન્કાઉન્ટર સાથે દેશને નક્સલમુક્ત બનાવવાની કૂચમાં સુરક્ષા દળોએ બીજી મોટી સફળતા મેળવી છે.મોદી સરકાર નક્સલવાદીઓ સામે નિર્દયી વલણ અપનાવી રહી છે અને શરણાગતિથી લઈને સમાવેશ સુધીની તમામ સુવિધાઓ હોવા છતાં શરણાગતિ સ્વીકારતા ન હોય તેવા નક્સલવાદીઓ સામે ઝીરો ટોલેરન્સની નીતિ અપનાવી રહી છે. આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં દેશ નક્સલ મુક્ત થઈ જશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે બીજાપુર અને દાંતેવાડા જિલ્લાની સરહદ પરના જંગલમાં સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી કરી રહી હતી ત્યારે સવારે 7 વાગ્યાની આસપાસ ગોળીબાર ચાલુ થયો હતો. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી 26 નક્સલીઓના મૃતદેહ ઉપરાંત હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતાં. ગોળીબારમાં ડીઆરજી યુનિટનો એક જવાન પણ શહીદ થયો હતો.
કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પરના જંગલમાં સવારે ડીઆરજી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી રહી હતી ત્યારે બીજુ એન્કાઉન્ટર થયું હતું. કાર્યવાહી બાદ ચાર નક્સલીઓના મૃતદેહ અને સ્વચાલિત હથિયારો મળી આવ્યા હતાં.
તાજેતરની કાર્યવાહી સાથે,આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં એન્કાઉન્ટરમાં ૧૧૩ નક્સલીઓ માર્યા ગયા છે. તેમાંથી ૯૭ નક્સલીઓ બસ્તર ડિવિઝનમાં માર્યા ગયા હતાં.
