January 29, 2025. REUTERS/Adnan Abidi

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અમૃત સ્નાન દરમિયાન નાસભાગમાં 30 લોકોના મોત થયા હતાં અને 60 ઘાયલ થયાં હતાં. આ દુર્ઘટના રાત્રે આશરે 2 વાગ્યે બની હતી, પરંતુ સરકારે ઘણા કલાકો પછી જાનહાનિના આંકડા જારી કર્યા હતાં. મૃતકોમાંથી 25ની ઓળખ કરાઈ હતી. તેમાં ગુજરાતના એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

મહા કુંભના સંગમ વિસ્તારમાં વહેલી સવારે ઘણા તીર્થયાત્રીઓ મૌની અમાવસ્યાના અવસર પર પવિત્ર સ્નાન કરવા માટે ધસારો કરી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી અને તેમને તાત્કાલિક રાહત પગલાં લેવાની સૂચના આપી હતી. સત્તાવાળાઓએ મેળાના મેદાનમાં અન્ય સ્થળોએ સમાન પરિસ્થિતિઓને ટાળવા માટે પોન્ટૂન પુલ બંધ કરી દીધા હતાં.

નાસભાગને પગલે વિવિધ અખાડાઓએ પવિત્ર ડૂબકી મારવાનું થોડા સમય માટે મોકૂફ રાખ્યું હતું. ‘અમૃત સ્નાન’ પહેલા કરોડો ભક્તો પ્રયાગરાજમાં ઉમટી પડ્યા હતાં. ‘સંગમ’થી લગભગ એક કિલોમીટર દૂર જંગી ભીડને કારણે બેરિકેડ્સ તૂટી ગયા હતાં અને કેટલીક મહિલાઓ બેહોશ થઈ ગઈ હતી. બેભાન મહિલાઓ પડી જતાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. આ મહિલાઓને મહા કુંભ મેળાના મેદાનમાં ઊભી કરાયેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. વધુમાં કેટલીક ગંભીર રીતે ઘાયલ મહિલાઓને બેઈલી હોસ્પિટલ અને સ્વરૂપ રાની મેડિકલ કોલેજમાં સારવારમાં મોકલવામાં આવી હતી.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે સંતો તેમનું મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન મોકૂફ રાખ્યું છે.

બીજા અમૃતસ્નાનના એક દિવસ પહેલા લગભગ પાંચ કરોડ લોકો પ્રયાગરાજ પહોંચી ગયા હતા, ભક્તોની સંખ્યા 10 કરોડ થવાની ધારણા હતી. સત્તાવાળાઓએ કડક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે. મેળા વિસ્તારને આગામી કેટલાક દિવસો માટે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.પ્રયાગરાજ વહીવટીતંત્રે સ્થાનિક રહેવાસીઓને પણ ફોર વ્હીલરનો ઉપયોગ કરવાનું ટાળવા અને વરિષ્ઠ નાગરિકોને સંગમમાં લઈ જતા હોય તો જ ટુ વ્હીલર પસંદ કરવાની અપીલ કરી છે.

LEAVE A REPLY