ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર શુક્રવારે સવારે અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી બસ પાછળથી એક કેન્ટર ટ્રક સાથે અથડાતાં બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી આઠને ગંભીર ઇજા થઈ હતી. આ બસમાં ગુજરાતના આશરે 40 તીર્થયાત્રીઓ હતાં.
પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં રાધા બેન (60), ઈશા પટેલ (2) અને યુગ (13)નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માતને કારણે એક્સપ્રેસ વે પર થોડો સમય માટે ટ્રાફિક બ્લોક થયો હતો. મૃતકના પરિવારજનોને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.
બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઇ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ અમદાવાદ અને દાદાર નગર હવેલીના હોવાનું જાણવા મળ્યું હતું.