ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ-2024માં 7 ગોલ્ડ સહિત 29 મેડલ જીતીને ઐતિહાસિક દેખાવ કર્યો હતો. એકંદરે ભારત 18મા ક્રમે રહ્યું હતું. પેરાલિમ્પિક્સમાં ભારતનો 29 મેડલ સાથે આ શ્રેષ્ઠતમ દેખાવ રહ્યો હતો, આ અગાઉ ટોક્યોમાં દેશના ખેલાડીઓનો 5 ગોલ્ડ અને 19 મેડલનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. ભારતના મેડલ્સમાં 7 ગોલ્ડ ઉપરાંત 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
સ્પર્ધાના છેલ્લા દિવસે, ભારતના જેવલિન થ્રોઅર નવદીપને પુરૂષોની F41 કેટેગરીમાં સિલ્વર મેડલ મળ્યો હતો. જોકે ગોલ્ડ મેડલ વિજેતા ઈરાની એથ્લેટ બીત સયાહ સાદેગ ગેરલાયક ઠર્યા પછી નવદીપને ગોલ્ડ મેડલ મળ્યો હતો. નવદીપ ઉપરાંત સિમરને મહિલાઓની T-12 કેટેગરીમાં 200 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને નાગાલેન્ડના હોકાટો સેમાએ પુરૂષોની ગોળા ફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
ભારતે આ વખતે 17 મેડલ તો એકલા એથ્લેટિક્સમાં જ પ્રાપ્ત કર્યા હતા. તે ઉપરાંત બેડમિન્ટનમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. એકંદરે, ભારત મેડલ્સ ટેબલમાં 18મા ક્રમે રહ્યું હતું. પાકિસ્તાન સંયુક્ત રીતે 79માં ક્રમે, તળિયે રહ્યું હતું, તેને ફક્ત એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ભારતનો દેખાવ સ્વિત્ઝરલેન્ડ, સાઉથ કોરીઆ, બેલ્જિયમ, આર્જેન્ટીના વગેરે દેશો કરતાં પણ વધુ સારો રહ્યો હતો.