વડોદરામાં એક એવી દુકાન હજું પણ કાર્યરત છે, જેના માલિકો પોતાનો ઘરખર્ચ કાઢી બાકીનો નફો ગાંધીજીને મોકલતા હતા. આ દુકાન વડોદરાની પ્રથમ ખાનગી ખાદી વિક્રેતા હતી. શહેરના રાવપુરામાં આ ભારત ઉદ્યોગ હાટ નામની દુકાન દેશની ખાદી પ્રત્યેની લાગણી અને આઝાદી માટે દેશજનોના લગાવની સાક્ષી પૂરે છે.
અંગ્રેજો સામેની આઝાદી ચળવળમાં મહાત્મા ગાંધીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની હાકલ કરી હતી. તેનાથી પ્રેરાઇને વડોદરામાં છોટાલાલ વસંતજી મહેતા અને તેમના બે પુત્રો ધીરજલાલ અને સુમનચંદ્રએ ૧૯૩૦-૩૨ના સમયગાળામાં ખાદીનું વેચાણ શરૂ કર્યું. બાદમાં ૧૯૩૭માં હાલમાં રાવપુરામાં છે, એ દુકાનનો પ્રારંભ કર્યો હતો. આ દુકાનનું ઉદ્દઘાટન કરવા રવિશંકર મહારાજે કર્યું હતું. એ સમયે વાજબી ભાવે સ્વદેશી ખાદી માટે આ દુકાનની બોલબાલા હતી.
૧૯૪૨માં ગાંધીજીએ આપેલા આહ્વાનને પગલે ઠેરઠેર વિદેશી વસ્ત્રો અને વસ્તુઓની હોળી થવા લાગી ત્યારે, વડોદરામાં ભારત ઉદ્યોગ હાટમાં ખાદી ખરીદવા માટે લાઇનો લાગી હતી. વોલમાર્ટમાં બ્લેક ફ્રાઇડે સેલમાં ખરીદી માટે ગ્રાહકોની કતારો લાગે એવી રીતે ૧૯૪૨માં આ દુકાનમાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા. ત્યારે એક ગ્રાહકને માત્ર ત્રણ મીટર કાપડ આપવું, એવો નિયમ કરવો પડ્યો હતો.
છોટાલાલ મહેતાએ બાદમાં પોતાનું જીવન સમાજસેવામાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો અને ગાંધીજી સાથે ચાલ્યા હતા. તેમના મોટા પુત્ર ધીરજલાલ મહેતા માટે કન્યા શોધવાનું કામ પણ રવિશંકર મહારાજે કર્યું. સૌરાષ્ટ્રના જેતપુરના પ્રભાબેન સાથે વેવિશાળ કરાવી રવિશંકર મહારાજે બારડોલી ખાતે લગ્નની વિધિ પણ પોતે કરી હતી. ગાંધીજી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગોળ ખવડાવી સૌના મ્હોં મીઠા કરાવ્યા હતા. આવા સંસ્મરણો છોટાલાલના પ્રપોત્રો ૭૧ વર્ષીય પુલકિત મહેતા અને ૬૩ વર્ષીય સંજય મહેતા વાગોળે અને કહે છે કે, બાદમાં ગાંધીજી સહિત અનેક મહાનુભાવો અવારનવાર ભારત ઉદ્યોગ હાટની મુલાકાત લેતા રહ્યા હતા.
મહેતા પરિવારે આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપવા માટે અનેક અનોખો નિર્ણય કર્યો. ભારત ઉદ્યોગ હાટમાંથી થતી આવકમાંથી પોતાના ઘરખર્ચનો ભાગ કાઢી બાકીની રકમ ગાંધીજીને અથવા તે કહે તે આશ્રમને મોકલી આપવામાં આવી હતી. લગભગ એક દાયકા સુધી આવકનો ભાગ આ રીતે મોકલવામાં આવ્યો. ગાંધીજી સાથે આ બાબતે પત્ર વ્યવહાર પણ થતો હતો.
વડોદરા શહેરમાં પુલકિતભાઇ અને સંજયભાઇ આજે પણ આ દુકાન ચલાવે છે. એ દુકાન કોઇ પણ પ્રકારનું રિનોવેશન કરવામાં આવ્યું નથી. જે સ્થિતિમાં હતી, એ જ સ્થિતિમાં અત્યારે ભારત હાટ કાર્યરત છે.