**EDS: TO GO WITH STORY** Lucknow: Navendu Mishra, a Labour Party candidate who has been elected to the House of Commons for a second consecutive term from the Stockport constituency, with others. (PTI Photo) (PTI07_06_2024_000229B)

દેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય મૂળના સાસંદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાઈ આવ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીનો ભલે કારમો પરાજ્ય થયો હોય પણ પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક સહિત ભારતીય મૂળના કેટલાક નેતાઓ તેમના પક્ષ માટેના ઘાતકી પરિણામમાંથી બચીને ચૂંટાઈ આવ્યાં હતાં. આ ચૂંટણીમાં કુલ 26 ભારતીય મૂળના નેતાઓને સફળતા મળી છે. ગઇ સંસદમાં ભારતીય મૂળના 15 સાંસદો ચૂંટાયા હતા.

ઋષિ સુનક યોર્કશાયરમાં રિચમન્ડ અને નોર્થલર્ટન મતવિસ્તારમાં નિર્ણાયક જીત સાથે, બ્રિટિશ ભારતીયોના ટોરી ચાર્જનું નેતૃત્વ જાળવી રાખ્યું છે. પોતાના રાજકીય ભાવિ અંગેની અટકળો પર વિરામ મૂકતા સુનકે જણાવ્યું હતું કે “આ મુશ્કેલ રાત્રે, હું સતત સમર્થન માટે રિચમન્ડ અને નોર્થલર્ટન મતવિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. એક દાયકા પહેલા હું અહીં આવ્યો ત્યારથી તમે મને અને મારા પરિવારને એક પરિવાર જેવો પ્રેમ આપ્યો છે. હું આવનારા વર્ષો સુધી તમારી સેવા કરવા આતુર છું.”

લેબર પાર્ટીમાંથી ભારતીય ડાયસ્પોરા ઉમેદવારોની મહત્તમ સંખ્યા જીતી હતી. પાર્ટીના દિગ્ગજ નેતા સીમા મલ્હોત્રાએ ફેલ્ધમ અને હેસ્ટન મતવિસ્તારમાં આરામદાયક માર્જિન સાથે જીત મેળવી હતી. ગોવા મૂળના વેલેરી વાઝ (કીથ વાઝના બહેન) વોલ્સોલ એન્ડ બ્લૉક્સવિચમાં વિજયી બન્યાં હતા. તો લિસા નંદીએ વિગનમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી. બ્રિટિશ શીખ સાંસદ પ્રીત કૌર ગિલે બર્મિંગહામ એજબેસ્ટન બેઠક પર ટોરી ફર્સ્ટ ટાઈમર અશ્વિર સાંઘાને હરાવ્યાં હતાં. તો તનમનજીત સિંહ ઢેસીએ સ્લાઉ બેઠક જીતી હતી. પૂર્વ એમપી નવેન્દુ મિશ્રા (સ્ટોકપોર્ટ) અને નાદિયા વિટ્ટોમ (નોટિંગહામ ઈસ્ટ)એ પોતાની બેઠકો ભારે બહુમતીથી જીતી હતી.

લેબર પાર્ટીમાંથી પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા બ્રિટિશ ભારતીયોને પણ આ વખતે મોટી સફળતા મળી હતી. આ ઉમેદવારોમાંથી જસ અટવાલ (ઇલફોર્ડ સાઉથ), બેગી શંકર (ડર્બી સાઉથ), સતવીર કૌર (સાઉધમ્પ્ટન ટેસ્ટ), હરપ્રીત ઉપ્પલ (હડર્સફિલ્ડ), વરિન્દર જસ (વુલ્વરહેમ્પટન વેસ્ટ), ગુરિન્દર જોસન (સ્મેથવિક), કનિષ્ક નારાયણ (વેલ ઓફ ગ્લોમર્ગન), સોનિયા કુમાર (ડડલી), સુરીના બ્રેકનબ્રિજ (વુલ્વરહેમ્પટન નોર્થ ઈસ્ટ), કિરીથ એન્ટવિસલ (બોલ્ટન નોર્થ ઈસ્ટ), જીવન સાંધેર (લાફબરો) અને કેરળના સોજન જોસેફ (એશફર્ડ)નો સમાવેશ થાય છે.

અન્ય અગ્રણી ભારતીય મૂળના ટોરી નેતાઓમાં ભૂતપૂર્વ હોમ સેક્રેટરીઓ ગોઅન મૂળના સુએલા બ્રેવરમેન અને ગુજરાતી મૂળના પ્રીતિ પટેલે લેબર પાર્ટીના વાવાઝોડા વચ્ચે તેમની બેઠક જાળવી રાખી છે. સુનકના ગોઅન મૂળના કેબિનેટ સાથી ક્લેર કોટિન્હો જીત્યા હતા. ગગન મોહિન્દ્રાએ કન્ઝર્વેટિવ્સ પાર્ટી તરફથી તેમની સાઉથ વેસ્ટ હર્ટફર્ડશાયર સીટ જાળવી રાખી હતી. જ્યારે શિવાની રાજાએ ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલને હરાવીને પ્રતિષ્ઠિત બનેલી લેસ્ટર ઈસ્ટ બેઠક પર વિજય મેળવ્યો હતો. આ વખતે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા ભૂતપૂર્વ સાંસદ કીથ વાઝની પણ હાર થઇ હતી.

કમનસીબે આ વખતે ટોરી નેતા અને પૂર્વ એમપી શૈલેષ વારા નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર સીટ પર લેબર ઉમેદવાર સામે પાતળી સરસાઈથી હાર્યા હતા. તો ફર્સ્ટ ટાઈમર અમીત જોગિયા નોર્થ લંડનની હેન્ડન સીટ પરથી લેબર ઉમેદવાર સામે હાર્યા હતાં.

લિબરલ ડેમોક્રેટ્સના મુનિરા વિલ્સને ટ્વિકનહામ મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તો ભારતમાં પૂર્વજોના મૂળ ધરાવતા બે અપક્ષ ઉમેદવારો, શોકત આદમ પટેલે (લેસ્ટર સાઉથ) અને ઈકબાલ મોહમ્મદે (ડ્યૂઝબરી અને બેટલી)માંથી નિર્ણાયક જીત નોંધાવી હતી. તેમણે પેલેસ્ટાઈન તરફી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં કુલ 107 ભારતીય ઉમેદવારો મેદાનમાં હતા. 14 વર્ષ પછી સત્તા પર પાછી પરત ફરેલી લેબર પાર્ટીએ સૌથી વધુ 33 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ 30 ઉમેદવાર ઊભા રાખ્યા હતા.

LEAVE A REPLY