કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે ત્રાસવાદીઓ કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતાં. મૃતકોમાંથી 3 ગુજરાતના હતાં. હુમલામાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર (પિતા) સ્મિત યતીશભાઈ પરમાર (પુત્ર)નું મોત નીપજ્યું હતું. તેઓ ભાવનગરના કાળીયાબીડના રહેવાસી હતાં જ્યારે મંગળવારે સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું મોત નીપજ્યું હતું.
હુમલામાં ભારતીય નૌકાદળના એક અધિકારી અને ગુપ્તચર બ્યુરોના એક કર્મચારી પણ માર્યા ગયા હતા.આ ઘટના બૈસરનમાં બની હતી, જેને તેના ઘાસના મેદાનો અને મનોહર દૃશ્યો માટે “મીની સ્વિટ્ઝર્લૅન્ડ” તરીકે ઓળખવામાં આવે છે.
આ હુમલો 2019ના પુલવામા હુમલા પછી કાશ્મીર ખીણમાં સૌથી ઘાતક હુમલો હતો અને વિશ્વભરના નેતાઓએ તેની આકરી ટીકા કરી હતી.
આતંકવાદી હુમલાથી દેશમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી અને આક્રોશ ફેલાયો હતો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાત ટૂંકાવીને મંગળવારે રાત્રે નવી દિલ્હી પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે ગયેલા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ તેમની યાત્રા ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 26 મૃતકોમાં બે વિદેશી – યુએઈ અને નેપાળના – અને બે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. 26 મૃતકોમાંથી 22 લોકોની ઓળખ થઈ ગઈ હતી અને અન્ય ચારની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલું કરાયા હતા. મૃતકોમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા હોવાના અહેવાલ મળ્યાં હતાં.
પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથના રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ સંગઠનો અને પક્ષોએ બુધવારે અશાંત કાશ્મીર ખીણમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ હુમલાની માહિતી આપી અને સાંજે શ્રીનગર પહોંચ્યા હતાં જ્યાં તેમણે સુરક્ષા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિતના વિશ્વના નેતાઓએ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ભારત સાથે એકતા વ્યક્ત કરી હતી.
ઘણા પ્રવાસીઓ પ્રવાસનો આનંદ માણી રહ્યાં ત્યારે ત્રાસવાદીઓએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરતાં ઘણા વધુ પ્રવાસીઓ ઘાયલ પણ થયા હતા. ઘટનાસ્થળ પરના કથિત વીડિયોમાં મૃતદેહો પડેલા અને મહિલાઓ રડતી જોવા મળી રહી હતી.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ આ આતંકવાદી હુમલાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પર થયેલા કોઈપણ હુમલા કરતા ઘણો મોટો ગણાવ્યો હતો. અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સ ભારતની મુલાકાતે છે ત્યારે આ હુમલો બપોરે 3 વાગ્યાની આસપાસ થયો હતો. ફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 47 સીઆરપીએફ જવાનો માર્યા ગયા હતાં, ત્યારબાદ કાશ્મીરમાં થયેલો આ મોટો મોટો આતંકવાદી હુમલો હોઈ શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર જણાવ્યું હતું કે “આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે…તેમને છોડવામાં આવશે નહીં! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.”
રિસોર્ટ સિટી પહેલગામનાથી લગભગ છ કિલોમીટર દૂર આવેલા પ્રવાસ સ્થળ બૈસરનમાં આ હુમલો થયો હતો. આ સ્થળ ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું ઘાસનું વિશાળ મેદાન છે અને પ્રવાસીઓ અને ટ્રેકર્સનું પ્રિય સ્થળ છે.’મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતા આ પ્રવાસ સ્થળ પર સશસ્ત્ર આતંકવાદીઓ ધસી આવ્યા હતાં તથા ખાણીપીણીની દુકાનોમાં ફરતા, પોની રાઇડ લેતા અથવા ફક્ત પિકનિક કરવા અને જોવાલાયક સ્થળોનો આનંદ માણતા પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો.
