વડોદરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં જળસ્તરમાં વધારાને કારણે 27 અને 29 ઓગસ્ટની વચ્ચે 24થી વધુ મગરો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા હતાં અને તેમને બચાવી લેવામાં આવ્યાં હતા. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી બચાવી લેવાયેલા મગર અને અન્ય સરિસૃપને તેમાં છોડવામાં આવશે, એમ વન વિભાગના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
આ નદી 440 મગરોનું ઘર છે, જેમાંથી ઘણા આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે પૂર દરમિયાન રહેણાંક વિસ્તારોમાં આવી ગયા હતાં. મગરો રહેણાંક વિસ્તારોમાં આવી ચઢતાં લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. 24 મગરો ઉપરાંત આ ત્રણ દિવસોમાં સાપ, કોબ્રા, લગભગ 40 કિલોગ્રામ વજનના પાંચ મોટા કાચબા અને એક શાહુડી સહિત 75 અન્ય પ્રાણીઓને પણ બચાવાયા હતા. વડોદરામાં ઘણા રહેણાંક વિસ્તારો વિશ્વામિત્રી નદીની નજીકમાં છે.
વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે “અમે બચાવેલ સૌથી નાનો મગર બે ફૂટ લાંબો હતો, જ્યારે સૌથી મોટો 14 ફૂટ લાંબો હતો, જે ગુરુવારે નદી કિનારે આવેલા કામનાથ નગરમાંથી પકડાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ અમને આ વિશાળ મગર વિશે એલર્ટ કર્યા હતા. 11 ફૂટ લાંબા અન્ય બે મગર હતા. ગુરુવારે ઈએમઈ સર્કલ અને એમએસ યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગ પાસેના ખુલ્લા વિસ્તારમાંથી પણ બચાવી લેવામાં આવ્યા હતા. જોકે આ દિવસો દરમિયાન મગર-માનવ સંઘર્ષની કોઈ ઘટના નોંધાઈ ન હતી.
આરએફઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે મગર માણસો પર હુમલો કરતા નથી. નદીમાં તેઓ માછલીઓ અને પ્રાણીઓના શબ પર જીવે છે. તેઓ કૂતરા, ડુક્કર અથવા અન્ય કોઈપણ નાના પ્રાણીને મારી શકે છે અને ખાઈ શકે છે. આવા જ એક એન્કાઉન્ટરનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો.