ANI Photo)

ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડમાં 230થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ, ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે 172 રોડ બંધ કરાયાં હતા. નવસારી જિલ્લાની ત્રણ નદીમાં આવેલા ઘોડાપૂરના પાણી કાંઠા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી જતાં જનજીવન પ્રભાવિત થયું હતું અને કેટલાંકનું  સ્થળાંતર પણ કરાવાયું હતું.

દક્ષિણ ગુજરાતના 12 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સૌથી ડાંગના સાપુતારામાં 9 ઈંચ, આહવામાં 7.4 ઈંચ, નવસારીના ખેરગામમાં 7.8 ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતાં. વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતા હિંગળાજ ગામ ખાતે ઝીંગા ફાર્મમાં સાત માછીમારો ફસાયાં હતાં. રવિવારની રાત્રે  NDRFએ માછીમારોને બચાવી લીધા હતાં.

રવિવારે (ચોથી ઓગસ્ટ) 105 તાલુકામાં મેઘ મહેર થઈ હતી. જેમાંથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરામાં 172 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવા પડયા હતાં. ડાંગ જિલ્લામાં સાંબેલાધાર સરેરાશ 6.6 ઈંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગતા 19 માર્ગો બંધ થયા હતા. ગિરિમથક સાપુતારામાં સૌથી વધુ 9 ઈંચ સહિત સાર્વત્રિક વરસાદ પડતા જિલ્લો પાણીથી તરબોતર થયો હતો.

 

વલસાડ જિલ્લામાં સ્કૂલ-કોલેજો બંધ

ભારેથી અતિભારે વરસાદની આગાહી અને હાલમાં ભારે વરસાદની સ્થિતિને કારણે વલસાડની જિલ્લામાં સુરક્ષાના ભાગરૂપે સોમવાર (પાંચમી ઓગસ્ટ) વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રાખવાનો સત્તાવાળાએ આદેશ આપ્યો હતો. કાવેરી નદીમાં પાણીનું સ્તર 19 ફૂટના ભયજનક સ્તરે પહોંચ્યું હતું. તેનાથી જિલ્લા વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી હતી. જિલ્લામાં અંબિકા નદીનું સ્તર પણ 23 ફૂટથી ઊંચે ગયું હતું.

અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓનું રોદ્ર સ્વરૂપ 

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે લગભગ તમામ જિલ્લા અને તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા, પૂર્ણા અને કાવેરી બે કાંઠે વહેવા માંડી હતી. અંબિકા નદીએ તેની ભયજનક સપાટીની નજીક પહોંચી જતાં બીલીમોરા, ગણદેવી, અમલસાડ જેવા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા હતાં. ગિરિમથક સાપુતારામાં ભારે વરસાદથી અંબિકા નદીએ સીઝનમાં પ્રથમ વખત રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. ડાંગ જિલ્લાની પૂર્ણા, ખાપરી અને ગીરા નદી પણ ગાંડીતુર બની બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.આઈસર ટેમ્પો અંબિકા નદીનાં ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો.આ ઘટનામાં ટેમ્પામાં સવાર ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.

સાપુતારાના તળાવમાં બોટિંગ બંધ

ડાંગના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં 9 ઈંચ વરસાદને કારણે સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવરફ્લો થતાં સાપુતારામાં બોટિંગ બંધ કરાયુ હતું. સહ્યાદ્રી એડવેન્ચર પાર્ક, મધ કેન્દ્ર, તથા મ્યુઝિયમ નજીકનાં માર્ગો પર પાણી ભરાયુ હતુ.

LEAVE A REPLY