(istockphoto.com)

ભારતમાં ૨૦૨૪નું વર્ષ ૧૯૦૧ પછી સૌથી ગરમ રહ્યું હોવાની માહિતી ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ બુધવારે આપી હતી. વર્ષનું સરેરાશ લઘુતમ તાપમાન લાંબા ગાળાની સરેરાશ કરતાં ૦.૯૦ ડિગ્રી વધુ રહ્યું હતું.
તાજેતરમાં પૂરા થયેલા વર્ષમાં વાર્ષિક તાપમાનની સરેરાશ ૨૫.૭૫ ડિગ્રી સેલ્સિયસ રહી હતી, જે લાંબા ગાળાની સરેરાશ કરતાં ૦.૬૫ ડિગ્રી વધુ છે.

સૂચિત ગાળામાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૧.૨૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૦.૨૦ ડિગ્રી વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૦૨૪માં સરેરાશ લઘુતમ તાપમાન ૨૦.૨૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૦.૯૦ ડિગ્રી સેલ્સિયસ ઊંચું હતું.

હવામાન વિભાગના ડેટા મુજબ ૨૦૨૪ના વર્ષે ૨૦૧૬નો રેકોર્ડ તોડી નાખ્યો છે. એ સમયે સરેરાશ તાપમાન સામાન્ય કરતાં ૦.૫૪ ડિગ્રી ઊંચું રહ્યું હતું અને ૧૯૦૧ પછી ૨૦૧૬ સૌથી ગરમ વર્ષ બન્યું હતું. જોકે, હવે એ રેકોર્ડ તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪માં જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના સરેરાશ લઘુતમ તાપમાને નવો રેકોર્ડ બનાવ્યો હતો. યુરોપિયન હવામાન એજન્સી કોપરનિકસના જણાવ્યા અનુસાર “૨૦૨૪ વિશ્વભરમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહેવાની શક્યતા છે. આ પહેલું એવું વર્ષ છે જેનું સરેરાશ તાપમાન ઓદ્યોગિક યુગ પહેલાં (૧૮૫૦-૧૯૦૦)ના સ્તરની તુલનામાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહ્યું છે. આઇએમડીના મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, “૨૦૨૪માં લઘુતમ તાપમાનમાં વધારો ‘ઘણો ઊંચો’ રહ્યો હતો. લાંબા ગાળાનો ડેટા સૂચવે છે કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખાસ કરીને ચોમાસા પછી અને શિયાળાની સિઝનમાં લઘુતમ તાપમાનમાં વૃદ્ધિ તરફી ટ્રેન્ડ નોંધાયો છે.”

LEAVE A REPLY