નેપાળના કાઠમંડુમાં ભારે વરસાદને પગલે પૂર પ્રભાવિત વિસ્તાર, (PTI Photo)

નેપાળમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનને કારણે સોમવારે સુધીમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા હતા અને 30 લાપતા બન્યા હતા. ગયા શુક્રવારથી અવિરત વરસાદ ચાલુ છે અને તેનાથી આ હિમાલયના રાષ્ટ્રમાં તારાજી સર્જાઈ હતી. નેપાળમાં ભારે વરસાદને કારણે ભારતના બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં નદીઓ ગાંડીતૂર બની હતી અને અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું. ગંડક, કોસી, બાગમતી, કમલા બલાન અને ગંગા સહિતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે. ઘરો, રસ્તાઓ, પુલ અને ઊંચી ઇમારતો, જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. આ પૂરની સ્થિતિના કારણે બિહારના 13 જિલ્લાના હાલ બેહાલ બન્યાં હતા અને લાખો લોકોના જીવ મુશ્કેલીમાં મુકાયા હતાં. નેપાળથી આવતી નદીઓએ બિહારમાં તબાહી મચાવી હતી.

નેપાળમાં 4,500થી વધુ આપત્તિ પ્રભાવિત લોકોને બચાવી લેવાયા હતા. નેપાળ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, સતત વરસાદ, પૂર, ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 192 લોકો માર્યા ગયા છે. દેશભરમાં 94 અન્ય લોકો ઘાયલ પણ થયા હતા અને 30 અન્ય લાપતા છે.ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીએ જણાવ્યું હતું કે સરકારે શોધ, બચાવ અને રાહત કામગીરીને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે.સમગ્ર દેશમાં અસંખ્ય રસ્તાઓને ભારે નુકસાન થયું હતું અને રાજધાની શહેર કાઠમંડુ તરફ જતા તમામ માર્ગો બ્લોક થયા હતાં. તેનાથી હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા ગયાં ગયા હતાં.

બીજી તરફ બિહાર સરકારે રવિવારે બીરપુર અને વાલ્મિકીનગર બેરેજમાંથી પાણી છોડવાને પગલે રાજ્યના ઉત્તર, દક્ષિણ અને મધ્ય ભાગોમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું હતું. સવારે 5 વાગ્યા સુધી કોસી નદી પરના બીરપુર બેરેજમાંથી કુલ 6.61 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, જે છેલ્લાં 56 વર્ષમાં સૌથી વધુ છે. આટલાં ઊંચા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી 13 જિલ્લાઓમાં 16.28 લાખથી વધુ લોકોની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે, જેઓ પહેલાથી જ ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત બન્યાં છે.

ગંડક નદી પરના વાલ્મીકીનગર બેરેજમાંથી શનિવારે રાત્રે 10 વાગ્યા સુધી 5.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે 2003માં છોડવામાં આવેલા 6.39 લાખ ક્યુસેક પછી આ સૌથી વધુ છે. સાવચેતીના પગલા તરીકે કોસી બેરેજ પાસે વાહનવ્યવહાર બંધ કરાયો હતો.

 

 

LEAVE A REPLY