India domestic airfare
 પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આ દિવાળીની સિઝનમાં વિમાન મુસાફરો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. ઘણા ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ વિમાન ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં 20-25 ટકાનો ઘટાડો થયો છે. એરલાઇન કંપનીઓની બેઠક ક્ષમતામાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરના ઘટાડાને કારણે વિમાનની ટિકિટના ભાવ ઘટ્યા છે.

એક ટ્રાવેલ પોર્ટલના વિશ્લેષણ મુજબ કે સ્થાનિક રૂટ પર સરેરાશ હવાઈ ભાડું 20-25 ટકાની રેન્જમાં ઘટ્યું છે. આ ભાવ 30 દિવસના એડવાન્સ બુકિંગના સરેરાશ ભાવ આધારિત છે. આ વિશ્લેષણમાં ગયા વર્ષના 10થી 16 નવેમ્બર વચ્ચેના સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવ્યો છે, જ્યારે આ વર્ષ માટે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.

વિશ્લેષણ મુજબ બેંગલુરુ-કોલકાતા ફ્લાઇટ માટે સરેરાશ વિમાન ભાડું 38 ટકા ઘટી આ વર્ષે રૂ. 6,319 થયું છે, જે ગયા વર્ષે રૂ.10,195 હતું. ચેન્નાઈ-કોલકાતા રૂટ પર ટિકિટની કિંમત રૂ.8,725થી 36 ટકા ઘટી રૂ.5,604 થઈ છે. મુંબઈ-દિલ્હી ફ્લાઈટનું સરેરાશ હવાઈ ભાડું રૂ.8,788થી 34 ટકા ઘટીને રૂ.5,762 થયું છે. એ જ રીતે દિલ્હી-ઉદયપુર રૂટ પર ટિકિટના ભાવ રૂ.11,296થી 34 ટકા ઘટી રૂ.7,469 થયા છે. દિલ્હી-કોલકાતા, હૈદરાબાદ-દિલ્હી અને દિલ્હી-શ્રીનગર રૂટ પર આ ઘટાડો 32 ટકા સુધીનો છે.

ગયા વર્ષે મર્યાદિત કેપેસિટીને કારણે દિવાળીની આસપાસ વિમાન ભાડામાં ઉછાળો આવ્યો હતો. ગયા વર્ષે ગો ફર્સ્ટ એરલાઇનની કામગીરી સ્થગિત થઈ હતી. જોકે આ વર્ષે થોડી રાહત મળી છે, કારણ કે વધારાની કેપેસિટીનો ઉમેરો કરાયો છે. તેનાથી ઓક્ટોબરના છેલ્લા સપ્તાહ માટે મહત્ત્વના ડોમેસ્ટિક રૂટ પર વાર્ષિક ધોરણે વિમાન ભાડામાં સરેરાશ 20થી 25 ટકાનો ઘટાડો થયો છે.

ચાલુ વર્ષના પ્રારંભથી ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 15 ટકાનો ઘટાડો થયો છે. તેનાથી પણ વિમાન ભાડામાં ઘટાડાનું દબાણ આવ્યું છે. તેથી ઉત્સવોની સીઝનમાં મુસાફરોને વધુ સસ્તી ટિકિટ ઉપલબ્ધ બનશે. હાલમાં વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા તરફી ટ્રેન્ડ છે. દરમિયાન કેટલાંક રૂટ પર વિમાન ભાડામાં 34 ટકા સુધી વધારો થયો છે. વિશ્લેષણમાં જણાવ્યા મુજબ અમદાવાદ-દિલ્હી રૂટ પર ટિકિટની કિંમત રૂ.6,533થી 34 ટકા વધીને રૂ.8,758 થઈ છે, જ્યારે મુંબઇ-દહેરાદૂન રૂટ પર ટિકિટના ભાવ રૂ.11,710થી વધીને રૂ.15,527 થયા છે.

LEAVE A REPLY